પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કનૈયાલાલ મુનશી
૪૭
 


ગુજરાતીના જેવું ને જેટલું જ જણાય છે. પ્રવાહિતા, સરળતા, સૌન્દર્ય અને સ્વાભાવિક માધુર્ય વાચકને વેગથી આગળ ખેંચે છે. તેમાં કેવળ કલ્પનાના વિહાર કે ભાષાના આડંબર લેખકને આવરી લેતા નથી, કે ઉન્માર્ગે દોરતા નથી. ખરેખર, આવા કીમતી, મનોહર ને વિદ્વત્તાયુક્ત ગ્રંથ માટે ગુજરાતની રાષ્ટ્રપ્રેમી ને સાહિત્યપ્રિય જનતા લાંબો સમય તેમના તરફ ઋણભાવનાએ માન અને પ્રેમની જ નજરે નિરખી રહેશે.

આ ગ્રંથ જેમ શ્રી. મુનશીની વિદ્વત્તાનો ને સાહિત્યસેવાનો કીર્તિકલશ છે, તેમજ તે ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસનો દૃઢ આધારસ્તંભ છે. તેમાં ગુજરાતનો ઈતિહાસ–અને આવશ્યક હોય ત્યાં સમગ્ર ભારતવર્ષનો–તથા ગુજરાતી વાઙ્‌મય અભેદ્ય ને અવિભાજ્ય મિત્ર બની સાથે વિચરે છે. સાહિત્યની સમાલોચનામાં ઈતિહાસથી ફલિત થતાં અનુમાનો લેખકનું સાચું હોકાયંત્ર બને છે. ક્યાંયે તેમાં ઇતિહાસ–વિહોણી દૃષ્ટિ કે ઇતિહાસ–વિરુદ્ધ કલ્પના તેમને અસત્ય પંથે નથી લઈ જતી. સ્વદેશપ્રેમ, ગુજરાતની અસ્મિતા, ઈતિહાસની ઝાંખી ને યુગબળોની પરખ આખરે ગ્રંથને બહુધા વિશ્વસનીય ને પ્રમાણભૂત બનાવે છે. ક્વચિત્‌ તે ઇતિહાસનાં સત્ય ને સાહિત્યનાં સૌન્દર્યનો સુભગ સમન્વય સાધી આપણને सत्यं शिवं सुन्दरम्નું સ્મરણ કરાવે છે; તો ક્વચિત્ તે એક કવિત્વમય કૃતિ કે રસપ્રદ વાર્તા બની જાય છે. મૅકોલેના ‘ઇંગ્લેન્ડના ઇતિહાસ’માં અનુભવગોચર થતી સાહિત્યવિશિષ્ટ ઐતિહાસિક દૃષ્ટિ, વિષયની વિસ્તીર્ણ ભૂમિ, રુચિર શૈલી, ને મનોહર પદાવલી શ્રી. મુનશીના આ ગ્રંથમાં પણ નજરે પડે છે; છતાં મૅકોલેના ગ્રંથના અતિશયોક્તિ જેવા દોષોથી શ્રી. મુનશીની આ કૃતિ બહુધા મુક્ત છે.