પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કનૈયાલાલ મુનશી
૪૯
 


કેટલો સમય બચાવી શકશે એ શંકાએ ઉચિત રીતે જ કેટલાક વિરોધી સૂરો પણ તેમની ચૂંટણી પહેલાં જગાડ્યા હતા. તેમની મોટામાં મોટી મુશ્કેલી તે સમયનો અભાવ છે, એ અગાઉ પણ કહેવાઈ ગયું છે. છતાં તેમની લોકોત્તર ને લાક્ષણિક શક્તિઓ ધ્યાનમાં લેતાં, શ્રી અને સરસ્વતીના આ લાડીલા સાહિત્યકાર ગુજરાતની સર્વદેશીય, અને વિશેષે તો સાંસ્કારિક અસ્મિતા સતેજ કરશે, ને ગુજરાતી સાહિત્યસંમેલનને વધુ કાર્યસાધક ને ઉપયોગી સંસ્થા બનાવશે, એવી ઉજમાળી આશા સાહિત્યપ્રિય જનતાના હૃદયને વધુ શ્રદ્ધાળુ ને ધીર બનાવે છે.

વળી, ધારાસભામાં, યુનિવર્સિટીમાં, અને મહાસભાની સમિતિઓમાં: સર્વત્ર તેઓ જોતજોતામાં સૂક્ષ્મ દૃષ્ટા અને અદીઠ સૂત્રધાર બની જાય છે. સંસ્થાઓમાં તેઓ વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપે કૈં કૈં લક્ષ્યો સાધે છે. લોકસમુદાય તેમને અમુક લાગણીથી નિરખે છે, પણ તેથી તેઓ વધુ ઊંડા અને અગોચર છે. તેઓ મર્યાદિત ન રહેતાં વિરાટ થવા મથે છે, અને કૈં કૈં ક્ષેત્રો સર કરવા પ્રયત્ન કરે છે. રાજકારણ અને સાહિત્ય, કાયદો ને ઈતિહાસ: સૌ મુનશીનાં માનીતાં થવા મથે છે, પણ આમાંથી અંતે તો કોના તરફ તેમનો સ્નેહ વધુ ઢોળાશે તે તો સમય જ કહી આપશે. અને સાહિત્યમાં પણ તેઓ સર્જક ને સમાલોચક છે, નાટ્યકાર ને નવલકાર છે, તથા નવલિકાકાર ને નિબંધકાર છે. ઇતિહાસ તેમને આમંત્રે છે, સાહિત્ય તેમને આકર્ષે છે, ને સંશાધન તેમની સ્હાય યાચે છે. વામનકાય મુનશી વિરાટ થવાના કોડથી સૌને પ્રસન્ન કરવા ઈચ્છે છે. કોણ જાણે એ નાનકડા દેહમાં શી શી શક્તિઓ ભરી હશે ? જરાને ય જર્જરિત કરતા