પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. કનૈયાલાલ મુનશી
૫૧
 


પ્રથમ વિદ્વાન બનવાની તો બહુ વાર છે–તેમણે પ્રજાની નાડ પરખી, રાષ્ટ્રની જરૂર પિછાણી, અને ‘મા’ની સેવામાં સહકુટુંબ જોડાયા. સાહિત્યને વ્યાવહારિક જીવનમાં સ્થાન નથી, સાહિત્ય એટલે આદર્શ, આચારની એરણ ઉપર ન ટીપાય તેવી ભાવનાઓ, આ માન્યતાને ઉચ્છેદી મુનશીએ તેવી ભાવનાઓને આચારમાં ઉતારી, પોતે ઝંપલાવ્યું, સ્વાતંત્ર્યની વેદી ઉપર બુદ્ધિ, દેહ અને દ્રવ્યની આહુતિઓ આપી, અને પ્રથમ પ્રયત્ને જ ઝડપાયા; પાછા છૂટ્યા અને વધુ તેજસ્વી બની ફરીથી ઘૂમવા લાગ્યા. તેથી જ આજે તેઓ ગૃહસચિવ બની શક્યા છે, ને સાહિત્યસંમેલનના પ્રમુખ પણ થઈ શક્યા છે. આમ આદર્શોના આદિત્યનાં હજારો કિરણો પોતાની કુશાગ્ર બુદ્ધિએ અનેકધા ઝીલનાર એ મુનશીને તેમની વિવિધ ગુર્જરસેવા, રાષ્ટ્રસેવા અને સાહિત્યસેવા માટે આપણાં હાર્દિક અને આદરભર્યાં અભિનંદન હો !