પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. નર્મદાશંકર મહેતા
૫૯
 


વ્યક્ત કર્યાં છે. પ્રથમનું તો ગુજરાતી ભાષાંતર પણ થયું છે. ‘સતી નાટક’ (ભાષાંતર), ‘વૈરાગ્ય શતક’ ને ‘સંધ્યાકર્મવિવરણ’ તે તેમના પ્રખર પાંડિત્યને જાણવા માટે બહુ નોંધપાત્ર નથી. ‘પ્રણવ–વિચાર–વિકાસ’ એ ૐ અક્ષરની ઉત્પતિ ને રહસ્ય સમજાવવા માટે લખેલો તત્ત્વજ્ઞાનપૂર્ણ નાનો નિબંધ છે. ‘કવિ બાલને તેની સેવાઓ’ ઉપરનું તેમનું ભાષણ ઘણું કીમતી ગણાય; કારણકે આ ‘ક્લાન્ત’ કવિના કવન ને જીવન ઉપર સારામાં સારો પ્રકાશ કોઈ પાડી શકે તેમ હોય તો તેમની છાયામાં ઉછરનાર શ્રી. નર્મદશંકરભાઈ જ છે. સાહિત્યના ક્ષેત્રને સગાસંબંધીઓના પક્ષપાતથી મુક્ત રાખવા ઇચ્છતા ભાણેજે કોઈ પણ જાતની અતિશયોકિત વિના મામાના જીવનપ્રસંગો યથાયોગ્ય રજુ કરી તેમાં તેમના ગુણદોષોનું દર્શન કરાવ્યું છે. નિકટના સગાઓએ સ્વર્ગસ્થને આપેલી આવી નિષ્પક્ષપાત અંજલિઓ સાહિત્યક્ષેત્રમાં કેટલી વિરલ છે.

કવિ અખો વેદાન્તી હોઈને ગુજરાતી સાહિત્યમાં તેમનો માનીતો કવિ લાગે છે; કારણ કે પ્રસંગ મળ્યે વારંવાર તેમણે તે કવિ ઉપર વ્યાખ્યાન કે ભાષણ રૂપે ઘણું કહ્યું છે. નડિઆદની નવમી સાહિત્ય પરિષદના ધર્મવિભાગના અધ્યક્ષ તરીકે તેમણે જે ભાષણ આપ્યું હતું, તે તેમના વિશાળ વાચન ને ઊંડા ચિંતનનું જ ફળ છે. ધર્મનું સ્વરૂપ રજુ કરી ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સંબંધ સમજાવી, તેમણે ગુજરાતના તત્ત્વજ્ઞ–કવિઓને પણ યોગ્ય ન્યાય આપી, ગુજરાતના તત્ત્વજ્ઞાનના ઇતિહાસ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. આ ઉપરાંત તેમનાં ‘સર રમણભાઈની મ્યુનિસિપલ સેવાઓ’, ‘સ્થાનિક સ્વરાજ્ય’ ‘સંસ્કૃત સાહિત્ય’ વગેરે ઉપરનાં છૂટક ભાષણોનો તો નામનિર્દેશ કરી જ હું સંતોષ માનું છું.