પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. નર્મદાશંકર મહેતા
૬૧
 


જેવો ભાસ્યો. ગુજરાત કોલેજના પ્રો. ધ્રુવના આદેશથી તેમણે પશ્ચિમના તત્ત્વજ્ઞાનનાં સ્વરૂપ પણ નિરખ્યાં. બંનેના તુલનાત્મક અભ્યાસ પછી તેઓ ભારતીય તત્ત્વજ્ઞાનને આત્માની મુક્તિ ને શાંતિ આપનાર માને છે, જ્યારે યુરોપીય તત્ત્વજ્ઞાન તેમને બૌદ્ધિક સંતોષ આપનારૂં જ લાગે છે. તેમના આ વિશદ મંતવ્યને ઘણા તત્ત્વજ્ઞ વિદ્વાનોનો અવશ્ય ટેકો મળે.

આથી વિશેષ, જો તેમની તત્ત્વજ્ઞાન વિષેની રસિક ને સુંદર દૃષ્ટિનો વાચકને પરિચય કરવો હોય તો તેમનું પોતાનું જ નીચેનું વાક્ય બસ થશે:—

‘તત્ત્વજ્ઞાનની ભિન્ન, પ્રસ્થાન શ્રેણીઓ તે ગંગા, યમુના ને સરસ્વતી વડે ઉત્પન્ન થયેલી ત્રિવેણી જેવી છે. જેવી રીતે, સુંદર સ્ત્રીની વેણી વળથી ગુંથાય છે, ત્યારે તેના મસ્તકને શોભા આપે છે, અને છૂટાં લટીઆં સૌંદર્યને લજાવે છે, તેમ બ્રાહ્મણોના, બૌદ્ધોના અને જૈનોના વિચારોનો જેઓ સમન્વય કરી જાણતા નથી, તેને મારી અલ્પ મતિ તત્ત્વજ્ઞ કહી શકતી નથી, પરંતુ ધર્માંધ કહે છે.”

ધર્માંધતાથી ભિન્ન આવી ધાર્મિકતા ખીલવવી તે વિશાળ ને સત્યશોધક દૃષ્ટિ જ કરી શકે. આ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં તેઓ ગુજરાતના તત્ત્વજ્ઞાનનાં કે ગુજરાતના તત્ત્વજ્ઞ કવિઓનાં મૂલ્ય આંકવાનું પણ વિસર્યા નથી, એ હકીકત આપણા ગુજરાતી સાહિત્યને ગૌરવ આપે તેવી છે; કારણકે ગુજરાતી સાહિત્યનો આ દૃષ્ટિએ વિગતવાર ઈતિહાસ નહિ જેવો જ છે. સાદી ને ચોકસાઇવાળી શૈલી વડે લેખકનો શ્રમ કઠિન વિષયને સહેલો બનાવવામાં, ને પારિભાષિક ગહન શબ્દોને સરળ રીતે