પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દી. બ. નર્મદાશંકર મહેતા
૬૫
 


મુશ્કેલીઓ ને ત્રુટિઓને તેમણે વિચાર ને આચાર વડે લક્ષમાં લીધી છે, પણ કદી સાહિત્યની અમર વાણીમાં તો નથી જ વણી. ભૂખે ભરતી પ્રજા ઐહિક જીવનના કૂટ પ્રશ્નોને ઉકેલે તો જ આધ્યાત્મિક જીવનને સ્પર્શતા તત્ત્વજ્ઞાનનો વિચાર કરી શકે, સુખમાં ઉછરેલા આ અમલદારે તેમની ભાવભીની વ્યવહારકુશળ દૃષ્ટિને સાહિત્યમાં જે કદી મૂર્ત સ્વરૂપ આપ્યું હોત, તો તેમની સાહિત્યસેવા વધુ જ્વલંત બનત. પણ તેમના સંસ્કાર, ઘડતર, વ્યવસાય ને સંયોગો જોતાં તો તેમણે સ્વીકારેલા સાહિત્ય—પ્રદેશો વિના અન્ય શું સંભવી શકે ? વિશેષમાં, વ્યક્તિગત વલણ પણ આવાં કાર્યમાં મુખ્ય ભાગ ભજવે છે.

અંતમાં, શ્રી. નર્મદાશંકરભાઈએ કુટુંબની ને નોકરીની અનેકગણી વિટંબણાઓ વચ્ચે પણ સ્વાધ્યાયશીલ રહી સાચા દીલથી ગુજરાતી સાહિત્યની કીમતી સેવા કરી છે; પણ તેમની સંસ્કૃત સાહિત્યસેવા આગળ આ ગૌણ લાગે છે. સંસ્કૃત નહિ, પણ ગુર્જર સાહિત્યને જ મુખ્ય ધ્યેય બનાવી તેઓ ગુજરાતના તત્ત્વજ્ઞ કવિઓ ને તેમણે ભાખેલા તત્ત્વજ્ઞાન ઉપર ગુજરાતી ભાષામાં પ્રમાણભૂત સ્વતંત્ર ગ્રંથ લખે, ને ગુજરાતના વર્તમાન વિવિધ સંપ્રદાયો ઉપર જનસમાજને ઉપયોગી થાય તેવાં પુસ્તકો રચે એ આશા તેમની વિદ્વત્તા ને ઉત્સાહ જોતાં જરા યે વધારે પડતી નથી, પણ તેમની લકવાની બીમારીને કારણે આ આશા હવે કેવળ કલ્પના જ બની ગઈ છે. ‘અખિલ ભારતવર્ષ તત્ત્વજ્ઞાન મહાસભા’ પણ તેમને વિશેષ માન અર્પે એમ આપણે ઈચ્છીએ. ગુજરાત પણ તેના આ તત્ત્વજ્ઞાનના પ્રખર વિદ્વાનની સાહિત્યસેવાઓ અને વિદ્વત્તાની ખાસ કદર કરે એ અભિલાષા