પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


શ્રી. રામનારાયણ વિ. પાઠક

સાહિત્ય–આલમની અમીરશાહીને ઉચ્છેદનાર અને સાહિત્યની ઝારશાહીનો પણ સામનો કરીને પ્રકાશમાં આવનાર એ રામનારાયણભાઈને કયો યુવાન વાચક નથી ઓળખતો ? સને ૧૯૨૦–૨૧માં અસહકારયુગે ગુજરાતને રામનારાયણભાઈ આપ્યા. વકીલાતને છોડી તેમણે સરસ્વતીનું શરણું શોધ્યું; અને વિદ્યાપીઠે તેમને પાળ્યા, પોષ્યા અને પ્રકાશમાં આણ્યા.

‘કાવ્યસમુચ્ચય’ એ તેમની સાહિત્યપ્રવૃત્તિનું તે યુગનું પ્રથમ મનોહર ફળ, અધ્યાપક રામનારાયણ વિદ્યાપીઠમાં વિવેચક તરીકે મિત્ર સમા શિષ્યો સાથે સમભાવે ચર્ચા કરતા; અને ત્યારથી માંડીને વકીલાત અને વનિતાનો સાથ છોડનાર એ રામનારાયણ ભાઈએ કવિતાદેવીનાં વિવિધ સ્વરૂપે દર્શન કર્યાં. તેમણે ન્યાયને નિરખ્યો, અલંકારને અપનાવ્યો, જૈન અને બૌદ્ધ ધર્મનો સમભાવે અભ્યાસ કર્યો, ‘યુગધર્મ’માં સાહિત્યનો યુગ–મહિમા ગાયો, અને આમ ધીમે ધીમે શાંત પણ સ્થિર ગતિએ સાહિત્યની ઘણી દિશાઓ આવરી લીધી. ટુંક સમયમાં જ તેઓ ભાષાશાસ્ત્રમાં રસ લેતા ને શબ્દકોશનાં સ્વપ્ન સેવતા થયા. ‘કાન્ત’ને તેમણે પોતાની મર્મગ્રાહી સમાલોચનાથી વધુ કમનીય બનાવ્યો; અને પ્રાચીન વિદ્યાનો અભ્યાસ કરી તેમણે ‘પુરાતત્ત્વ’માં પણ ફાળો આપવો શરૂ કર્યો. પણ તેટલાથી કાંઈ સંતોષ થાય ? તેમણે કાવ્યો અને વાર્તાઓ શરૂ કર્યાં, અને ગૂઢ રહેલી કેટલીયે ભાવનાઓને ભાષાબળે વ્યકત કરી. અધ્યાપક પાઠક ત્યારે સાહિત્યની જેમ વ્યવહારમાં પણ પોતાના મિષ્ટ વિનોદ અને મર્માળા હાસ્યથી વિદ્યાપીઠના કેટલાયે વિદ્યાર્થીમિત્રોને મુગ્ધ કરતા.