પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યને ઓવારેથી
 

 નરસિંહ, નર્મદ, યોગ્ય રીતે ઓળખાવેલો ઉપેક્ષિત ભક્તકવિ છોટમ, રણછોડભાઈ, ન્હાનાલાલ, કલાપી, મુનશી અને રામનારાયણ પાઠક સરખા આપણા કલાવિધાયકોનાં સમભાવભર્યાં ચિત્રો આમાં આવી જાય છે. કેશવલાલ ધ્રુવ, આનંદશંકર, નર્મદાશંકર મહેતા અને વ્રજલાલ શાસ્ત્રી સરખા વિદ્વાનોના સુઘટિત પરિચય આપણને આ સંગ્રહમાં મળે છે. ચંદ્રશંકર પંડ્યા અને મોતીભાઈ અમીન સરખા સંસ્કારસાધુઓની ઓળખાણ પણ આપણને અહીં થાય છે. મોતીભાઈ અમીન જેવા સંતાઈ રહેલા સાધુ, છુપી ધૂણી ધિકાવી તપ તપતા સાધુની શબ્દ–છબી શ્રી. શંકરલાલ ઉતારી શક્યા એ માટે તો હું તેમને મુબારકબાદી આપું છું.

આપણે ત્યાં શબ્દ-ચિત્રો, છાયા-ચિત્રો, જીવન-ચિત્રો, રેખા-ચિત્રો લખાયાં છે; જો કે એ ઘણાં નથી. નરસિંહરાવ, ન્હાનાલાલ, લીલાવતી મુનશી એ ત્રણ નામ મુખ્યત્વે યાદ આવે છે. તેમાં આ ચોથા સંગ્રહનો ઉમેરો થઈ ચૂક્યો છે. નરસિંહરાવનું વ્યક્તિત્વ તેમને તેમના અહં ભણી દોરી જઈ ‘સ્મરણમુકુર’ને હલાવી નાખે છે. કવિ ન્હાનાલાલની ઊર્મિ આવાં ચિત્રોને વિશિષ્ટતા અર્પવા છતાં અસામાન્ય બનાવી દે છે. લીલાવતીનાં રેખા-ચિત્રો ઉતાવળે પાડી લીધેલા ‘સ્નેપ-શોટ્સ’ છે. સમભાવથી, સદ્ભાવથી, ઝીણવટથી, આસપાસની સ્વાભાવિક ભૂમિકાને અનુલક્ષી ચીતરાયલાં જે વ્યક્તિચિત્રો પ્રો. શંકરલાલે આપ્યાં છે તે ત્રણેથી જુદી જ ભાત પાડે છે.

કોઈ રખે એમ સમજે કે પ્રો. શંકરલાલે માત્ર ગુણગાન જ કર્યા છે. જનતાની દૃષ્ટિએ, અભ્યાસની દૃષ્ટિએ જે ખામી ખૂબી જણાઈ તે સર્વની વિગત આ ચિત્રોમાં ઉપસી આવે