પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. ચંદ્રશંકર પંડ્યા
૭૫
 


વર્ષે તેમણે બે માનવંતા મુરબ્બીઓ, ગોવર્ધનરામ અને મનસુખરામ ત્રિપાઠી ગુમાવ્યા, અને તેથી પોતે એકલા પડ્યા હોય તેવો ખેદ અનુભવ્યો.

શ્રી. ચંદ્રશંકર એટલે વિવિધ વ્યક્તિઓનાં ને પચરંગી વાતાવરણના પ્રેરકબળોનો સમન્વય. ઇ. સ. ૧૯૦૫–૭માં પ્રાર્થના સમાજે તેમને આકર્ષ્યા, અને તેમને વક્તા થવાનું પ્રોત્સાહન આપ્યું. ઈ. સ. ૧૯૦૮માં સ્વદેશીની પ્રબળ પ્રવૃત્તિએ તેમને સ્વ. ત્રિભુવનદાસ ગજ્જરની પ્રેરણા ઝીલતા કર્યા, અને તેથી ઈ. સ. ૧૯૦૭થી ૧૯૧૧ સુધી તેમણે ગિરગામમાં ગજ્જરે સ્થાપેલી ‘ટેકનો–કેમીકલ લેબોરેટરી’માં એમ. એ. થવા માટે પ્રયોગ–કાર્ય કર્યું; પણ નાદુરસ્ત પ્રકૃતિએ તેમના મનના મનોરથ મનમાં જ રહેવા દીધા. આ દરમ્યાન તેમણે રાસાયણિક ઉદ્યોગો ઉપર લેખો ને ભાષણો ચાલુ રાખ્યાં. મુંબઈમાં ભરાયેલી બીજી સાહિત્યપરિષદમાં તેમણે “વૈજ્ઞાનિક અભ્યાસનાં સાધનોનો વિચાર” નામે ‘બહુ વખણાયેલો’ નિબંધ વાંચ્યો; અને રાજકોટની ત્રીજી સાહિત્ય પરિષદ વખતે તેમણે ‘યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં ગુજરાતીનું સ્થાન’ નામે એક વિચારણીય મુદ્દાવાળો નિબંધ રજુ કર્યો. ‘સમાલોચક’ના તેમના લેખોમાં સ્વ. ઉત્તમરામ ત્રિવેદીના મતે ‘ગૌરવ અને ઓજસ’ બંને હતાં. ઇ. સ. ૧૯૦૭થી ’૧૩ સુધી તેઓ અને શ્રી. અંબાલાલ જાની સમાલોચકનું તંત્રીકાર્ય સંભાળવા લાગ્યા. વિશેષમાં, ચંદ્રશંકર પોતે સુંદરીસુબોધ, વસંત, ગુજરાતી અને પ્રજાબંધુમાં પણ અવારનવાર લેખો આપતા. આ સમયમાં તેમણે ‘ધી યુનીઅન’ નામે એક સભાનું મંત્રીપદ પણ સ્વીકાર્યું. પાછળથી આ સંસ્થા ‘ગુર્જરસભા’માં પલટાઈ ગઈ, અને શ્રી. કનૈયાલાલ મુનશીનો સાથ મળતાં તેની