પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
સાહિત્યને ઓવારેથી
 


ગામડે ગામડે ઘૂમીને હોમરૂલ પ્રવૃત્તિ ફેલાવવાનો તેમણે કાર્યક્રમ રચ્યો, અને મી. બી જી. હોર્નીમેન પણ તેમનો આમાં સાથ શોધવા લાગ્યા. શ્રી. ચંદ્રશંકર માટે આ ઉત્તમ કીર્તિકાળ હતો, ને પરમ પરાક્રમયુગ હતો. તેમની વાણી અનેક સ્થળે ઝીલાતી થઈ, અને તેમના લેખો શહેરોને ગામડાંમાં રસથી વંચાવા લાગ્યા. નાનકડા નડિઆદનો આ નાગર અને નાગરિક સહજ પ્રતિભા અને કુશાગ્ર બુદ્ધિબળે અનેકને ત્યારે મહાન અને માનનીય લાગ્યો પણ આ પછીનો ઈતિહાસ તે મંદતાનો, સ્થિરતાનો, પીછેહઠનો અને કરુણતાનો છે. કોણે આવું પરિવર્તન ઉપજાવ્યું ? કોણે આવા કાજળ–ઘેરા શ્યામ રંગો આવા તેજોમય જીવનમાં ઉત્પન્ન કર્યા ?

ચંદ્રશંકરભાઈનું આ નોંધપાત્ર ઘડતર ને આ પ્રતિષ્ઠિત જીવતર. યુગરંગ બદલાયા, અને તેમનું જાહેરજીવન સંકેલાતું ગયું. ઈ. સ. ૧૯૧૬માં પ્રથમ પત્ની વસંતબાનું અવસાન થયું, અને ઈ. સ. ૧૯૧૭માં પિતા પણ સ્વર્ગે સીધાવ્યા. ઇ. સ. ૧૯૧૮માં તેમને દમના દર્દની શરૂઆત થઈ; અને પછી તો મંચ ઉપર ‘સિંહની માફક છલંગ ભારી ભાષણ કરવા આવનાર આ અગ્રગણ્ય વક્તા’ શિથિલ અને પરવશ થવા લાગ્યા. લગભગ બબ્બે દાયકાથી તેઓ દમને ય દમ ભિડાવી રહ્યા છે. આ રોગનું તેમની ઉપર અનેકવાર આક્રમણ થતાં તેમની શારીરિક શક્તિઓ છિન્નભિન્ન થઈ ગઈ, જાહેર પ્રવૃત્તિઓ છેક ઠોકરાઈ ગઈ, અને દમનો રોગ જ તેમના સ્નેહીઓ અને મિત્રવર્ગમાં તથા સમગ્ર ગુજરાતમાં તેમના સંબંધી ખૂબ જાણીતો થયો. આ રોગ ક્વચિત્ તેમની ત્રુટિઓની ઢાલ બને છે, ક્વચિત્ તેમના અહંભાવનું આશ્રયસ્થાન થાય છે, ક્વચિત્‌