પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. ચંદ્રશંકર પંડ્યા
૮૧
 


હોય ત્યારે તેઓ શાંત રહી શકતા જ નહિ. તેમણે મનસુખરામની વિદ્વત્તા અને મુત્સદ્દીગીરી જોઈ છે, તેમને ગોવર્ધનરામની સાહિત્યસેવા અને સંસ્કારિતા સુપરિચિત છે, અને મણિલાલ દ્વિવેદીની આધ્યાત્મિકતા, કાદંબરી–ભાષાંતરકાર છગનલાલભાઈની રસિકતા ને ઝવેરીલાલ યાજ્ઞિકની રાજકારણ–પ્રીતિ પણ તેમને સુવિદિત છે. આમ તેમના વિવિધતાપ્રિય સ્વભાવે કયું ક્ષેત્ર અણદીઠ રાખ્યું છે ?

‘ગુજરાતી’ સાપ્તાહિકમાં તેઓ ગૌરવભરી રીતે લખે છે, ‘સમાલોચક’ સામયિકમાં શાંત રીતે સમીક્ષા કરે છે, અને ‘પ્રગતિ’માં લેખ આપી શ્રી. પરધુભાઈને પ્રસન્ન રાખે છે ! તેઓ પ્રાચીન તેમજ અર્વાચીન સાહિત્યને ઉડતી નજરથી નિરખે છે; તે નરસિંહ મહેતાને નમન કરે છે, મીરાંને માન આપે છે, પ્રેમાનંદને પૂજે છે, નર્મદની નોબત સૂણાવે છે, ગોવર્ધનરામનાં ગૌરવ ગાય છે, અને મણિલાલની મહત્તામાં રાચે છે. મોહમયી મુંબઈના વિવિધ રંગ તેમનામાં ઉતર્યા, ને તેઓ સર્વત્ર વિચારવા લાગ્યા. તેઓ સંસ્કૃત ભાષાના ભક્ત છે, સાહિત્યના શોખીન છે, વિજ્ઞાનના વેત્તા છે, તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી છે, સમાજસેવામાં રસ લે છે, ને રાજકારણને અપનાવે છે. તેઓ સંગીતને ચાહે છે, ચિત્રકલાથી પરિચિત છે, ને નૃત્યના પ્રશંસક છે. તેઓ સર્વક્ષેત્રોને અને સર્વ વિદ્યાર્થીઓને અપનાવવા પ્રયત્નશીલ છે, તેઓ સ્વામી દયાનંદની જયંતીમાં ભાગ લેઈ આર્યસમાજને આવકાર આપે છે. શંકરાચાર્ય ઉપર ભાષણ કરી તેઓ સનાતની બને છે, રામાનુજ અને વલ્લભાચાર્યને પણ વખાણે છે, અને શક્તિ સંપ્રદાયનેય ગુણભાવે સ્તવે છે. તેઓ સાહિત્યસેવકોનો સંપર્ક સાધે છે, રાષ્ટ્રનેતાઓને સન્માને છે, સરકારી અમલદારોનાં મન જીતે છે, સમાજસુધારકોમાં ભળે છે,