લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનું સ્થાન : ૯૧
 

કાર્યમાં વડોદરા તરફે વકીલ હતા. બળવંતરાય ઠાકાર–બલિષ્ઠ બ. ક. ઠા. પણ આપણી બરોડા કાલેજના પ્રોફેસર હતા. છગનલાલ મેાદી–ઇરાવદીના કર્તા પણ આપણા એક સાહિત્કાર છોટાલાલ નરભેરામ ભટ્ટ, છોટાલાલ જીવનલાલ માસ્તર, નૃસિંહાચાર્ય, ઉપેન્દ્રાચાર્ય, જગજીવનદાસ મોદી, ભાનુસુખરામ મહેતા વગેરે એક બે પેઢી આગળના સાહિત્યકારો વડોદરાના જ નિવાસી એમણે સાહિત્ય–ઘડતરમાં સારો ભાગ ભજવ્યો છે મટુભાઈ કાંટાવાળાને પણ ન જ ભુલાય લલિતજી પણ વડોદરાને વડલે વસી ગયા છે. કનૈયાલાલ મુનશી બરોડા કાલેજનો પરિપાક છે. “સ્વપ્નદ્રષ્ટા”માં બરોડા કોલેજના સ્કવેર બ્લોક અને આજ સયાજીગંજ છે તે સ્થાને તેમના સમયનું ભીમનાથનું તળાવ તેમણે વર્ણવ્યાં છે. મેઘાણી અમરેલી હાઈસ્કૂલમાં ભણતા હતા એની કદાચ ઘણાને ખબર નહિ હેાય, વિજયરાય કૌમુદીકાર પણ કેટલાંક વર્ષો વડોદરાવાસી બન્યા હતા—મગનલાલ વિશ્વનાથ ભટ્ટની માફક શ્રી.રાયચુરા અને તારાચંદ અડાલજાએ તો અહીં ઘર જ કર્યાં છે એમ કહેવામાં હરકત નથી. મૂળજીભાઈ શાહ–એક દુકાનદાર આપણા સરસ રાસ અને નાટક લેખક છે. એ હવે સાહિત્યકારો જાણતા જ હશે, સંસ્કારના પડ ઉકેલી ઈતિહાસ રચનાર મંજુલાલ મજમુદાર પણ વડોદરાવાસી છે. સાહિત્ય અને સંગીતના સમન્વયકાર ઓમકારનાથજી વડોદરા રાજ્યના રહીશ છે એ કોઈ ન જાણતું હોય તો જાણી લે.

પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આમ વડોદરાનો ફાળો નજીવો તો નથી જ. હજી ઘણાં નામ રહી ગયાં છે. નવસારીના પારસી ઇસ્લામી તેમ જ મહારાષ્ટ્રી સાહિત્યકારો તો ગણાવ્યા જ નથી. છતાં જેટલાં નામ ગણાવ્યાં છે તે ઉપરથી એટલું તો સ્પષ્ટ થશે જ કે જેમ–વડોદરા બીજી બધી રીતે પ્રગતિશીલ હતું તેમ સાહિત્યમાં પણ પ્રગતિશીલ હતું.

આવી સંસ્કારસમૃદ્ધિ ઉપજાવતા સાહિત્યને અણમાનીતું—અણગમતું ન રાખીએ. એને ઓળખવાની સહજ ફુરસદ લઈએ, એ સાહિત્ય આપણે ધારીએ એ કરતાં વધારે વ્યાપક છે; વધારે સમર્થ છે અને વધારે સહેલું છે. વડોદરાનું દૃષ્ટાંત સાહિત્યને બીજા ભૂમિવિભાગોમાં પણ શોધવા આપણને પ્રેરશે.