પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : સાહિત્ય અને ચિંતન
 

અને આપણે પણ ઇસ્લામથી જુદો કોઇ વિશિષ્ટ ધર્મ પાળનાર પ્રજા તિરસ્કારવાચક છાપ અપનાવી લઈને આજ આપણે એમાં અભિમાન લેતા પણ થયા છીએ! ઈસ્લામના આવતાં પહેલાં આપણે હિંદુ ન હતા. ઇસ્લામના આવ્યા પછી જેમ ઘણાં હિંદવાસીઓ મુસલમાન થયા છે તેમ આપણે મુસલમાન ન બનેલા આર્યાવર્તવાસીઓ હિંદુ બન્યા છીએ ! બાદબાશાહતમાં એ નામની છાપ આપણે પૂરેપૂરી સ્વીકારી લીધી અને પેશ્વાઈ વખતે તો ‘હિંદુપત પાદશાહી’નું સ્વપ્ન સેવી ‘હિંદુ’ શબ્દમાં આપણે અંગત રીતે માનસૂચક ભાવ પણ ઊમેરી લીધો! આજ આપણને કોઇ હિંદુ નથી એમ કહે તો આપણને ખોટું લાગે અને આપણે ઝગડો કરવા પણ કદાચ તત્પર થઈએ ! –જો કે એક હજાર વર્ષથી આપણે હિંદુઓ લગભગ એકએક ઝગડામાં હારતા જ આવ્યા છીએ !

સંસ્કારસમાગમ, સંસ્કારઘર્ષણ, સંસ્કાર વિનિમયના ઇતિહાસ બહુ વિચિત્ર પરિણામો આપણી પાસે રજૂ કરે એમ છે. પોતાને ‘હિંંદુ’ કહેવરાતાં સર્વ સ્ત્રીપુરુષ સમજી લે કે આપણે સ્વીકારેલું ‘હિંદુ’ નામ એ ઇસ્લામે દીધી બક્ષીસ છે. અને આપણે તો કહીએ છીએ કે હિંદુ મુસલમાન કદી એક બની શકે નહિં.

ઇસ્લામે આપેલી બક્ષિસ સ્વીકારી બેઠા પછી, મુસલમાનોએ આપેલું નામ અપનાવી લીધા પછી, અસંખ્ય હિંદુઓને મુસલમાન બનવા દીધા પછી, હજાર વર્ષના મુસલમાનોના સહવાસ પછી, હિંદુ-મુસ્લિમ ઐક્ય ન જ થઈ શકે એમ કહેવું એ માનવસ્વભાવનું, સંસ્કારસંગમનું, પ્રજાસંગઠ્ઠનનું અધૂરું જ્ઞાન જ કહેવાય. ઇસ્લામે પણ આર્યોનાં કેટકેટલાં તત્ત્વો અપનાવ્યાં છે.

હવે તો ‘હિંંદુ’ શબ્દ આપણે માટે કાયમનો જ બન્યો છે. આપણા આંતરિક ઝઘડાનો લાભ લઇ ઝઘડતાં ન અટકેલાં હિંદુ–મુસલમાનોને નાથી રહેલા અંગ્રેજોએ વસ્તી ગણત્રીમાં આપણને ક્યારનાયે હિંદુ તરીકે કાયમ કર્યા છે. વગર તકરારે આપણે ‘હિંદુ’ ની છાપ સ્વીકારી લીધેલી છે. હવે આપણે ‘હિંદુ’ ની એમ કહેવુ લગભગ અશક્ય થઈ પડ્યું છે !

આ સઘળું વિચિત્ર લાગે છે, નહિ ? હજી બીજી કેટલીયે