પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તિમાર્ગ : ૧૦૯
 

જરૂર સ્વીકાર્યા છે. સર્વ ધર્મમાં આવા પૂજ્ય સ્મરણસંકેતો છે, જે તીર્થ તરીકે ધર્મિષ્ઠોનાં દર્શનસ્થાન બની રહે છે. આમ મૂર્તિ એ ઈશ્વર કે ઈષ્ટ વ્યક્તિઓનાં સ્મરણસાધન ઉપજાવવાનો એક માનવપ્રયત્ન છે, એમ માનીએ તો મૂર્તિ પૂજાનો વિરોધ ઘટી જાય.

મૂર્તિપૂજા સાથે અગર મૂર્તિપૂજા વગર ઈષ્ટને, અદૃષ્ટને ઊર્મિ દ્વારા, લાગણી દ્વારા, હૃદયના ભાવ દ્વારા સ્પર્શવાનો પ્રયત્ન એને ભક્તિ કહીએ તો ચાલી શકે. એ ભાવ બુદ્ધિને કદાચ ન ખપે, છતાં એ ભાવમાં સાચા અને ઊંચા ઊર્મિ પ્રવાહો છે, એમાં જરાય શક નહિ. આંખ વગર કૃષ્ણદર્શન કરી શકતો સૂરદાસ અગર પાપ નિવારણ માટે ફટકા ખાતી ખ્રિસ્તી સાધી જૂઠાં ન જ હોઈ શકે. આપણને ભલે ન સમજ પડે; છતાં ઊર્મિમયતામાં તે સાચું જીવન જ જીવે છે.

ભક્તિ–ઉપાસના–ઈશ્વરને સ્પર્શવા માટેની તમન્ના નવધા ભક્તિને નામે સુપ્રસિદ્ધ છે. એ વ્યાપક નવધા ભક્તિ–ઈશ્વરને સ્પર્શવાના માગ તરીકે ઓળખાઈ છે નીચેને નામે:–

(૧) શ્રવણ (૨) કીર્તન (૩) સ્મરણ (૪) પગસેવા (૫) અર્ચન (૬) વંદન (૭) દાસ્યભાવ (૮) સખ્યભાવ (૯) આત્મનિવેદન.

श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् |
अर्चनं वंदनं दास्यं सरव्यमात्मनिवेदनम् ।।

કેટલાક વિચારકો દશમી પ્રેમલક્ષણા ભક્તિને પણ ગણાવે છે. આત્મનિવેદનના વિશિષ્ટ સ્વરૂપ તરીકે કદાચ પ્રેમલક્ષણા ભક્તિ ગણી શકાય, જો કે પ્રેમલક્ષણા ભક્તિની તીવ્રતા એક મહાપ્રેમી સ્ત્રીના પોતાના પ્રિયતમ પ્રત્યેના મહાતલસાટરૂપે વ્યક્ત થાય છે.

સાહિત્યનો આત્મા ઊર્મિ: ઊર્મિ ઉપર ભાર મૂક્યા સિવાય સાહિત્ય રચાતું નથી; અને ભક્તિ પણ ઊર્મિ ઉપર મુખ્ય આધાર રાખતી હોવાથી સાહિત્ય અને ભક્તિને બહુ સુભગ સંબંધ આપણે ત્યાં સંધાયેલો છે. હિંદુસ્તાનની વિવિધ ભાષાઓનાં સાહિત્ય જોઈશું તો આપણને સ્પષ્ટ જણાઈ આવશે કે ઓગણીસમી સદીના મધ્યભાગ