પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦ : સાહિત્ય અને ચિંતન
 

સુધી ઘણા પ્રાંતોનું સાહિત્ય ભક્તિના જ મધ્યબિંદુ આસપાસ રચાયેલું છે. ત્યારપછીનું પણ સાહિત્ય ભક્તિને ભૂલ્યું નથી એ નોંધવા સરખી બીના છે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી સંસ્કારવાળા કવિઓ પણ ભક્તિનો સારો આશ્રય લઈ ચૂક્યા છે એમ કહેવામાં માનવહૃદયની ઊર્મિને આપણે મહત્ત્વ આપીએ છીએ.

આમ તો આપણે જોયું તેમ ભક્તિમાર્ગ વેદકાળ સુધી પહોંચે છે, પરંતુ વર્તમાન જીવનને સ્પર્શી રહેલો ભક્તિમાર્ગ મુસ્લિમોના આગમન સાથે શરુ થાય છે એ ઈતિહાસ બહુ સૂચક છે. મહમદ ગઝનીના હુમલાઓ ઉત્તરમાં શરૂ થયા અને દક્ષિણમાં ભક્તિમાર્ગના પ્રથમ ઐતિહાસિક આચાર્ય રામાનુજ લક્ષ્મીનારાયણની ભક્તિ સાથે બહાર પડ્યા. ત્યાર પછી તો દ્વૈત કે અદ્વેતને વિસ્તારનારા મધ્વ, નિંબાર્ક, ગૌરાંગ અને વલ્લભ સરખા આચાર્યોની પરંપરા સહજાનંદ સુધીના ભક્તિમાર્ગને જ પોષી રહી છે. રામાનંદને આચાર્ય માનવા કે નહિ એ પ્રશ્નને બાજુએ મુકતાં તેમણે વિસ્તારેલી રામભક્તિમાંથી કબીર, રહીમ, રોહીદાસ, તુલસીદાસ અને નાનક જેવા ભક્તો કે ધર્મપ્રચારકો ઉત્પન થયા એ ભૂલવા સરખું નથી.

પરદેશથી આવતી પ્રજાને પોતામાં સમાવી લેતો આર્ય ધર્મ પ્રચંડ બળવાળા ઈસ્લામને પોતાનામાં સમાવી શક્યો નહિ. ઈસ્લામ જગતવિજયના ઝનૂનથી અરબસ્તાન બહાર નીકળ્યો, અને જો કે એ જગતધર્મ થઈ શક્યો નથી, છતાં તેના પ્રવાહના ઘર્ષણમાં જબરદસ્ત પ્રાબલ્ય હતું એની ના પાડી શકાય એમ નથી. પશ્ચિમ એશિયામાં ઇસ્લામે પોતાના પૂરમાં અનેક નાના મોટા ધર્મપ્રવાહોને આવરી લીધા અને ઇતિહાસનું વાચન તો એમ કહે છે કે એના વેગમાં ઈસ્લામ કદાચ માનવીના બધા ધર્મોને ગળી ગયો પણ હોત; પરંતુ ઇસ્લામથીએ પ્રાચીન ધર્મોએ અંતે ઇસ્લામ ધર્મ સામે પોતાનું વિશિષ્ટ સ્વરૂપ જાળવી રાખ્યું. યહૂદી, ખ્રિસ્તી, હિંદુ, આર્ય અને બૌદ્ધ ધર્મોમાં ઈસ્લામે ગાબડાં ઘણાં પાડ્યાં, પરંતુ ઇસ્લામ એ પ્રાચીન ધર્મોને નાબુદ ન કરી શક્યો. વર્તમાન ભક્તિમાર્ગ પણ આર્ય ધર્મે પોતાની સંસ્કૃતિમાંથી ઉપજાવેલો ઈસ્લામ સામેનો એક સફળ