પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અહિંસા:સંસ્કૃતિમાં તેનું સ્થાન : ૧૩૩
 

આખી જાત ઉપર વિસ્તાર પામી. રક્ષણની વ્યાપક ભાવના હિંસા માગે છે કે અહિંંસા એ આટલા માનવ વિકાસ ઉપરથી પણ સહજ સમજાઈ જાય છે; એકલો માનવી પોતાનું રક્ષણ કરી શકે એના કરતાં તે કુટુંબ-વ્યવસ્થિત બને તો વધારે સારી રીતે પોતાનું રક્ષણ કરી શકે છે; પોતાનું જ માત્ર નહિ પરંતુ કુટુંબી ગણાતી સર્વ વ્યક્તિઓનું એક કુટુંબ એકલું રહી પોતાનું રક્ષણ કરી શકે તેના કરતા તે ગોત્રમાં ગોઠવાઈ જઈને પોતાનું વ્યક્તિગત તેમજ અન્ય કુટુંબીઓનું વધારે સારું રક્ષણ કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે; એક ગોત્ર બીજા ગોત્રની સાથે હિંસા દ્વારા જેટલું રક્ષણ મેળવી શકે તેના કરતાં અહિંંસાનો સ્વીકાર કરી ગોત્રોમાંથી જાત ઉપજાવી વધારે રક્ષણુ સાધી શકે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ આ આખો ક્રમ એક જ વસ્તુ સૂચવે છે કે માનવી અહિંસાને જેમ જેમ વિસ્તારતો જાય તેમ તેમ તે વધારે સાચું રક્ષણ મેળવતો જાય છે.

આ અહિંંસાનો વિકાસ ક્રમ માનવજાતની સાચી સમૃદ્ધિમાં શો શો વધારો કરે છે તે પણ આપણે સહજ જોઈ લઈએ. કુટુંબ માણસને રસવૃત્તિ, પ્રેમશૌર્ય, અને વાત્સલ્ય આપે છે. ગોત્ર ભાવના પૂજ્ય ભાવ, વ્યવસ્થા, આજ્ઞાધારકપણું અને સંસ્કાર પરંપરા traditon આપે છે. સાથે સાથે કુટુંબે આપેલા ગુણ પોતે કાયમ રાખે છે, તેટલું જ નહિ પરંતુ તેમને વિસ્તૃત કરે છે. ગોત્રમાંથી જાતમાં સંકળાતાં માનવજાત સ્થિરતાને પામે છે; રાજ્ય, કાયદા, શાસનતંત્ર વગેરે મેળવે છે; કલા અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે; અને એક વ્યવસ્થિત મહાન સમૂહ તરીકે રહેણીકરણીની ઉચ્ચતા અને ભાવના જાગૃત કરી રક્ષણ અર્થે માત્ર બળ નહિ પરંતુ સંસ્કાર અને સભ્યતાનો બહુ જ ઉપયેાગ કરવાની પાત્રતા મેળવી લે છે. એ પાત્રતામાંથી જ માનવ પ્રજાએ વિકાસની મહા ફલંગો ભરેલી છે. જો માનવી એકલો હોત, માત્ર કુટુંબી હોત, ફક્ત ગોત્રમાં જ ગોઠવાઈ રહ્યો હોત તો તે આટલી પ્રગતિ સાધી શક્યો ન હોત.

પછી તો જાતમાંથી વિકાસ પામતો માનવી પ્રજાકક્ષાએ આવી પહોંચે છે. કુટુંબ, ગોત્ર એ બંનેમાં જે એક લોહીની માન્યતા હતી