પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦ : સાહિત્ય અને ચિંતન
 

એક વાતાવરણમાં ગીતા વિરૂદ્ધની દલીલો મેં ખુબ વાંચી અને વિચારી.

એક ઐતિહાસિક દલીલ એ છે કે, ગીતા મહાભારતનો મૂળ વિભાગ નથી. એ મહાભારતમાં પાછળથી દાખલ થઈ છે. બન્ને સૈન્યો સામ સામે યુદ્ધ માટે ઊભાં હોય તે સમયે આટલા લાંબા પ્રશ્નોત્તરને માટે અનુકૂળતા હોય ખરી ? એવી તત્ત્વચર્ચા માટે સમય મળે ખરો ?

એ દલીલને આપણે બાજુએ મૂકીશું, શેકસપિયરનાં નાટકોમાં હેનરી, સીઝર, બુટસ કે એન્ટનીનાં ભાષણોની લંબાઈ આપણને સાલતી નથી. એ સર્વની વકતૃત્વ કલાનાં આપણે વખાણ કરીએ છીએ, અને આ શબ્દો નહિ તો આવા ભાવાર્થભર્યા શબ્દોનું ઉચ્ચારણ તેમણે કર્યું હતું. એમ માની આપણે એની અનૈતિહાસિકતા ઉપર નજર પણ નાખતા નથી.આખું મહાભારત વ્યાસે લખાવ્યું અને ગણેશે લખ્યું એ આપણી કથા. ગીતા એનો એક વિભાગ. કૃષ્ણે અર્જુનને બોધ કર્યો તે અનુષ્ટુપ કે ઉપજાતિ છંદમાં કર્યો, એમ પ્રશ્ન પણ શા માટે ઉપસ્થિત થાય એ હવે સમજાતું નથી. ગીતાનો પાઠ કરનાર તો નિત્ય સંભારી જાય છે કે :

पारशर्ववच: सरोजममलं गीतार्थगंधोत्कटं

ગીતાના અર્થમાં રહેલી ઉત્કટ સુવાસ પ્રસારનારું મહાભારતરૂપી કમલ મહર્ષિ વ્યાસના નિર્મળ વાણીસરોવરનું એક પુષ્પ છે. એનો સ્વીકાર થઈ ચૂકેલો છે. એટલે કૃષ્ણે કરેલો બોધ અતિ લાંબો, અસંગત છે એમ કહેવું એ ઇતિહાસને જાણી જોઈને ન ઓળખવા સરખું છે.

અને આજના મહાયુદ્ધને પ્રસંગે પ્રગટ થતાં મંત્રણા પત્રો white Papers ની લંબાઈ, વાકજાળ અને પોતાનો દોષ ઢાંકી પારકાને દૂષિત દેખાડવાના લેખનછળને વાંચનાર વીસમી સદીની શિક્ષિત પ્રજા ગીતાની લંબાઈ ને જરાપણ દોષ દઇ શકે એમ નથી. અનેક ગીતાઓ રચાય એટલી ભાષા સરકારી પત્રોમાં આજ વપરાય છે. જગતનું સદ્ભાગ્ય છે કે એ પત્રોમાં ગીતા નથી !

ગીતા શું કહે છે, એ તો પોતપોતાની પાત્રતા પ્રમાણે સમજાય એમ છે. એની વિચારમાલા કૃષ્ણની વૈજયંતિ સરખી વિશાળ,