પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમદ્ ભગવદ્‌ગીતા ૧૫૯
 

૮ વલ્લભી સંપ્રદાયે સંગીત ઉપર ખૂબ ભાર મુકયો છે. એ સંગીત શાસ્ત્રીય અને અમિશ્રિત ધ્રુપદશૈલીનું છે. ગુજરાતી જુના સાહિત્યમાં સાચું સગીત છે, સારી રાગદ્વારી છે એ સત્ય ભુલાઈ જાય છે. પરંતુ આખ્યાન, પદ અને ગરબીઓમાં રાગ સચવાઈ રહેલા છે એ સત્ય ભૂલવા જેવું નથી. સાચા સંગીતનો પરિચય ગુજરાતને આમ વલ્લભી સંપ્રદાય દ્વારા થયો છે-લગભગ આજ સુધી એ પરિચય રહ્યો છે, એમ કહીએ તો ચાલે. આપણી દેશીઓમાં રાગ ભણકાર બરાબર સંભળાય છે–જો કે ગાનારા કીર્તનકારો હવે લુપ્તપ્રાય બની ગયા છે.
૯ મધ્યકાલમાં કૃષ્ણભક્તિ લગભગ ઘેરઘેર પહેાંચી ગઈ હતી. રાધાકૃષ્ણનાં મંદિરો ગામેગામ અને શેરીએ શેરીએ સ્થપાયાં હતાં. ઉત્સવો,શણગાર, ફૂલ હિડોળા વગેરે કલાત્મક રચનાઓ લોકગમ્ય બની હતી.છપ્પન ભોગે આપણા પાકશાસ્ત્રને પણ સારો વેગ આપ્યો એમ કહેવામાં વૈષ્ણવ ધર્મની નિંદા કરતાં તેની અસરનું જ આપણે બયાન કરીએ છીએ. ચિત્રમાં પણ રાધાકૃષ્ણ કે કૃષ્ણગોપીનાં દધિમંથન, વસ્ત્રહરણ, રાસ વગેરે સ્થાન પામ્યાં અને સઘળું દયારામ સુધીના સાહિત્યમાં ઊતરી આવ્યું. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાંથી કૃષ્ણ અને તેનાં આનુષંગિક પાત્રો ઉઠાવી લઈએ તો ભાગ્યે જ સાહિત્ય કહેવા જેવી વસ્તુ રહે. અલબત્ત, અખો, શામળ,ધીરો અને ભોજો એ કવિઓ વલ્લભ સંપ્રદાયની અસરથી ઓછે વતે અંશે મુક્ત છે, એટલું ધ્યાનમાં રાખવું જોઈએ. અખાને તો વલ્લભી સંપ્રદાયનો અંશતઃ વિરોધી પણ કહી શકાય, જો કે શામળ છેક વલ્લભ સંપ્રક્રાયની અસરથી મુક્ત છે એમ કહી શકાય નહિ. પ્રાચીન કાવ્યમાળા, કાવ્ય દોહન અને એવા જ જુના કાવ્યોના સંગ્રહેા વલ્લભ સંપ્રદાયની અસરના સાચા પુરાવા છે.