પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિક્ષકોનું માંગલ્ય ૧૬૫
 

પ્રાથમિક કેળવણીની સાચી કિંમત અંકાશે ત્યારે જ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના કંઈક કોયડાઓ આપોઆપ ઊકલી જશે, અને આપણુા આખા રાજકીય કે સામાજિક જીવનને કલંકિત કરી રહેલી અનેક સમસ્યાઓનો આપોઆપ નિવેડો આવી જશે.

પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રત્યે સમાજની કેવી ઘૃણાભરેલી દૃષ્ટિ છે તેનો મને જાત–અનુભવ છે. રાષ્ટ્રના બાલનાગરિકોનું ભાવિ જેમના હાથમાં સોંપીએ છીએ એ શિક્ષકોનો પગાર પટાવાળા કરતાં પણ ઓછો હોય; આજની દ્રવ્યલક્ષી જનતા શિક્ષકની કિંમત એના શિક્ષણથી નહિ પણ એના પગારથી જ આંકે અને પગાર તો પટાવાળા કે પાણી ભરનારની જ કક્ષાએ આવતો હોય, એટલે ફોજદાર, મામલતદાર કે શાળાધિકારીના રસોઈયા તરીકે શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે એમાં આશ્ચર્ય શું?

ગામના સત્તાધારી પટેલ, તલાટી કે જમાદાર આગળ પ્રાથમિક શિક્ષકે નીચી કક્ષાએ બેસવાનું. બાળકોની શિસ્ત ઉપર રહેલી તેમની આછી પાતળી સત્તા પણ હવે ઝૂંટવી લેવાય છે. શિક્ષકના આત્મગૌરવનું આછું પણ રક્ષણ થાય એવી એની પાસે સત્તા નથી.

ઉપરીઓની ધમકી તો સતત ચાલુ જ હોય. ગામના નેતાઓ આવી પાછા તેમની ખબર લઈ નાખે. શિષ્યોની પરીક્ષા તો બાર મહિને લેવાય, પરંતુ શિક્ષકની પરીક્ષા તો જે આવે તે લે; પછી તે કેળવણી ખાતાનો અમલદાર હોય કે મુલકી ખાતાનો અમલદાર હોય. શિક્ષકો વહેલા આવ્યા કે મોડા આવ્યા, શિક્ષકા ટટ્ટાર બેઠા કે મેજ ઉપર હાથ ટેકવીને બેઠા, શિક્ષકો નકશાનો ઉપયોગ પૂરો કરે છે કે કેમ, કાળા પાટિયાને ધોળું બનાવી શકે છે કે નહિ, તેમણે પોતાની પાઠનોંધ કે પ્રયોગનોંધ રાખી છે કે કેમ વગેરે વગેરે અનેક ગૂંચવણભરેલા એવા એવા પ્રશ્નો દ્વારા શિક્ષકની પરીક્ષા લેવામાં આવે છે કે જેવી પરીક્ષા કોલેજના પ્રોફેસરની લેવામાં આવે તો તે જરૂર નાપાસ થાય. બહુ નવાઈ જેવું લાગશે છતાં એ સત્ય છે કે પ્રાથમિક કેળવણીના શિક્ષકોને શિક્ષણની લાયકાત આપવા માટે બબ્બે વર્ષ અને ત્રણ ત્રણ વર્ષના વિશિષ્ટ અભ્યાસો કરાવવામાં આવે છે, જ્યારે ઉચ્ચ