પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦ : સાહિત્ય અને ચિંતન
 

ઊભરાતાં રહે છે. બારમી સદીનાં આપણાં પાપ આપણા બે ત્રણ વર્ષ ના સ્વરાજ્યમાં એકદમ ફૂટી નીકળ્યાં છે અને જે લક્ષણોએ આપણને સદીઓજૂની ગુલામગીરી બક્ષી એ જ લક્ષણોના પૂર્ણ સ્વાંગ આપણે સજી રહ્યા છીએ. આપણને અડકેલી કાળાશ આપણે દૂર કરીશું કે કેમ એ પ્રશ્નને બાજુએ મૂકી આપણે એટલા જાગ્રત રહીશું કે જેથી આપણાં બાળકો, આપણી ઉછરતી પ્રજા, આપણા ભાવિ નાગરિકો વિધવિધ પ્રકારની કલામય ચોરી, લૂંટ, અને જૂઠમાંથી ઊગરી જાય. આ મહાકાર્ય માતાપિતા ન કરે તોય પ્રાથમિક શિક્ષકોએ કરવાનું છે. પ્રાથમિક શિક્ષકો પોતાની લડત અને આર્થિક ઉન્નતિની ચર્ચાઓમાં આ મહત્ત્વની વાત ન ભૂલે.

ચર્ચાઓ અને લડતનો પ્રશ્ન આવે છે ત્યારે મારું એક સ્પષ્ટ મંતવ્ય આપ સર્વ ગુરુજનો સમક્ષ રજૂ કરવું જોઈએ. હું મુક્ત ચર્ચાનો હિમાયતી છું. વાણીસ્વાતંત્ર્ય મારું, તમારું–સહુનુ હોવું જ જોઈએ એવી મારી દૃઢ માન્યતા છે. સિદ્ધાંતને માટે લડત પણ લડી લેવી જોઈએ, એમાં જરાય શક નથી. ચર્ચાઓ ઉગ્ર પણ હોઈ શકે અને લડત સામા પક્ષને–જો સામો પક્ષ હોય તો–મૂંઝવનારી પણ હોઈ શકે. પરંતુ સતત શસ્ત્રયુદ્ધે ચઢવાની તૈયારીમાં પડેલી દુનિયાએ હવે એટલી તો અક્કલ વાપરી સમજવું જોઈએ કે વીસમીસદીનું એકે એક હિંસક યુદ્ધ નિષ્ફળ નીવડ્યું છે. એક પણુ યુદ્ધે સામાન્ય જનતાની પરિસ્થિતિ સુધારી નથી, એક પણ યુદ્ઘથી એકે પ્રશ્નનો સાચો નિકાલ આવ્યો હોય એમ સાબિત થઈ શકતું નથી. યુદ્ધ ત્યારે જ થાય. જ્યારે માણસજાતે માણસાઈનું, અક્કલનું અને આવડતનું દેવાળું કાઢ્યું હોય.

આંતરરાષ્ટ્રીય લડતો માટેનું આ સત્ય આપણા પોતાના જ રાષ્ટ્રમાંના સર્વાપરી સત્ય તરીકે લેખાવું જોઈએ. માનવજાતના ઈતિ- હાસમાં પહેલું જ પરમ સત્ય ભારતે સાબિત કરી બતાવ્યું છે કે અહિંસક લડત સ્વરાજ્ય અપાવી શકી છે. એ અહિંસક લડતનાં સાધનો કયાં એ ગાંધીજીએ પોતાના શબ્દથી, વર્તનથી, જીવનથી, અને મૃત્યુથી સ્પષ્ટ કરી આપણી પાસે મૂકી દીધાં છે. પ્રાથમિક શિક્ષક સંઘે ચર્ચાઓ પણ કરવી પડશે, વિનંતીઓ અને માગણીઓ પણ કરવી