પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬ : સાહિત્ય અને ચિંતન
 

વ્યાખ્યાન કે વાતચીત માટે નહિ. વળી એ આપણી આપણા મિત્રોની એકલાની માલિકીનો હોતો નથી. એટલે ચાનો વિરોધ કે તેની તરફેણ કરવા માટેની વાતચીત સરિયામ રસ્તાને બદલે આપણા ઘરમાં કે કોઈ સભાગૃહમાં કરવી વધારે ઉચિત ગણાય. વાતચીતનો ઉદ્દેશ પણ એથી વધારે બર આવે.

આમ વાતચીતનું સ્થળ પણ વાતચીત અંગે બહુ મહત્ત્વ ધારણ કરે છે. સ્ટેશન ઉપર સાહિત્યની વાતચીત કરે છે ઘણા, પરંતુ એ સહુને ફાવે તો ઓછી જ ને? ટિકિટ, સામાન, મજુર, ગાડી આવવાનો કે ઊપડવાનો સમય, ધક્કામુક્કી, જગા મળશે કે કેમ એની ચિંતા જેવા ચક્રવ્યૂહ ઉપજાવતા સ્થળે ‘સરી જતી રેતી’ વિષેની વાતચીત ગાડીના ઘંટનાદમાં ગૂંગળાઇ જાય છે. કચેરીમાં કવિતા અને સંગીતની વાતચીત કરતાં કવિતા અને સંગીત બન્ને સંભળાવી ગયેલા એ ત્રણ મિત્રો મને હજી યાદ છે. મને કવિતા ગમે છે, પરંતુ તે કચેરીમાં તો નહિ જ ! સંગીતપણ ગમે છે, પરંતુ તે ટ્રામબસમાં તો નહી જ.

સમયની માફક સ્થળ પણ વાતચીતની કલાને ઘડતું. એક અંગ છે. આગગાડીની ગિરદીમાં પ્રેમનો વાર્તાલાપ બહુ કલામય ન જ લાગે— પ્રેમીઓ પ્રેમથી પીડાતાં હોય તો પણ. સ્મશાનમાં ખડખડાટ હસે હસાવે ભૂત ! કે કોઈ યોગી | સામાન્ય માનવી સ્મશાનમાં હાસ્યરસની વાતચીત બનતાં સુધી ન ઉપાડે તો વધારે સારું.

હિંસા અને અહિંસાની વાતચીતમાંથી મારામારી થતી ઘણાએ જોઈ છે, સાંભળી છે, વાંચી છે. હિંસાની તરફેણ કરનારને સૈન્યમાં મોકલવામાં આવે તો તે માંદા પડે. અહિંસાની તરફેણ કરનારનો મિજાજ હાથમાં રહેતો નથી, એ આપણા સહુના અનુભવની વાત છે. છતાં વાતચીત કરતી વખતે આપણે આવા જ વિષયોની ચર્ચા કરીએ છીએ અને અહિંસા સિદ્ધ કરવા માટે મુક્કી ઉગામીએ છીએ. આપણી વાતચીત એ કોઈ સિદ્ધાંતની સતત સ્થાપનાનો પ્રયત્ન હોતો જ નથી. મળવું, હળવું તાત્કાલિક ઉપયોગની વાત કરવી, સમયનો ઉપયોગ કરવો અને માણસાઈભરી ઢબે છૂટા પડવું આટલું જ આપણા નિત્ય