પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦ : સાહિત્ય અને ચિંતન
 


સમાજમાં, આપણા સમૂહમાં એવી કેટલીય વ્યક્તિઓ હતી કે જેની હાજરી ચારે પાસ પ્રસન્નતા ફેલાવી રહે. પાટ ઉપર, હીંચકે, ઓટલે કે ચોતરા ઉપર પાનસોપારીના ડબ્બા પડ્યા હોય; આઠદસ સમોવડિયા સમયના મિત્રો ભેગા થયા હોય; ઉદ્દેશ રહિત, કોઈને પણ સુધારવાની ઈચ્છા રહિત વાર્તાલાપ ચાલતો હોય; નાનકડા ટુચકા, દૃષ્ટાંત કે બનાવટો ઊકેલાતા હોય; વચ્ચે દુહા, છપ્પા અને સવૈયા ફેંકાતા હોય; ચાતુર્યની હરીફાઈ જામતી હોય અને ખડખડ મુક્ત હાસ્ય ખીલતું હોય ! આવી વાતચીત સંસ્કાર અને કેળવણીની મંજૂષા બની રહેતી. એમાં કોઈ ખોટું લગાડીને, નારાજ થઈને રીસ ચઢાવીને ચાલ્યા જતા નહિં. પોતાની મશ્કરી પેતાને જ ખડખડાટ હસાવી શકતી.

મારાયે પીતાની પેઢીમાં આવી બે વ્યક્તિઓ મારા જોવા સાંભળવામાં આવી હતી, જેમની વાતચીત પ્રસન્નતાનો ફુવારો ઉડાડતી: એક રૂપશંકર મોરારજી ધોળકિયા નામના ઉચ્ચ શ્રેણીએ પહોંચેલા વડોદરા રાજ્યના અમલદાર અને બીજા કવિ જેઠમ-જેમના કાવ્યસંગ્રહને કવિ નાનાલાલે પણ પ્રસ્તાવનાનું માન આપ્યું હતું ! ઓછાવધતા પ્રમાણમાં વાતચીતને કલામય, રસમય બનાવવાની આવડત ત્યારે વધારે વ્યાપક હતી.

આજનો સમય વધારે ગંભીર બન્યો છે; સાથે સાથે એ વધારે ક્લેશી બન્યો છે. આપણા સંસ્કાર વધારે ઉચ્ચ થયા છે–નિદાન આપણે તો એમ માનવું જ રહ્યું ! સાથે સાથે આપણો ઘમંડ વધી ગયો છે અને સરળતા ઘટી ગઇ છે. ભણતર વધ્યું છે-સાચી વાત ?–સાથે સાથે સહુનેચકરાવી નાખવાનો અભખરો આપણા પડછાયા જેવડો મેાટો બની ગયો છે. આપણે સ્વતંત્ર બન્યા છીએ–હક્ક સાથે; ફરજ સાથે નહિં. ઘણા ઘણા પ્રશ્નો આપણી સામે આવીને ઊભા છે, જેમાં વાતચીતને કલામાં ફેરવી નાખવાનો પ્રશ્ન બહુ મહત્ત્વનો બની ગયો છે. સંસ્કારી, રસિક, વિદ્વાન, સંપત્તિમાન અને સ્વતંત્ર બનેલા આપણે હજી વાતચીતને સાચી કલા બનાવી શક્યા નથી. આપણે કલેશજીવી, વિષાદજીવી હજી છીએ. આપણી વાતચીત પણ ક્લેશમય અને વિષાદમય વ્યાધિ છે.

વાતચીતને નિરામય, પ્રફુલ્લ કલા બનાવવી હોય તો આપણા સ્વાનુભવે આપેલી ચેતવણી ધ્યાનમાં જરૂર રાખવી પડશે, થોડી ચેતવણી