પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ : સાહિત્ય અને ચિંતન
 

ઉપયોગનું અને સાથે સાથે આનંદનું સાધન હોય. કદાચ ઉપયોગનુ સાધન ભલે એ ન હોય. એ આનંદ રહિત તો ન જ હોવું જોઈએ.

કલા પ્રયત્ન અને સંયમ માગે છે. કોઈ પણ કલા–વાત્તચીતને કલા બનાવવી હોય તો એમાં પણ પ્રયત્ન અને સંયમની જરૂર છે.

ટૂંકમાં કહીએ તો સારી વાતચીત સારો—માણસ જ કરી શકે. વાતચીતમાં આપણી માણસાઇનું પ્રતિબિંબ છે. વાતચીતમાં કલા લાવવી હોય, સૌંદર્ય લાવવું હોય તો આપણે સહુએ આપણા હૃદયને કલા અભિમુખ, સૌંદર્ય અભિમુખ બનાવવું પડશે, અને પ્રસન્નતા વેરવાનો અભ્યાસ રાખવો પડશે.

હજી આપણી વાતચીત કલાની કક્ષાએ આવી નથી. કલાના ટુકડાઓ કદાચ વેરાયેલા હશે, પરંતુ સમગ્ર કલાકૃતિ તરીકે સાનંદાશ્ચય જોઈ સાંભળી રહીએ એવી વાતચીત ગુજરાતમાં કોની હશે ? થોડાં નામ કોઈ ન આપે ?

સંતો સુલભ હોતા નથી. સારી, કલામય વાતચીત કરનાર પણ સંતો સરખા વિરલ જ હોય છે.