પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬ : સાહિત્ય અને ચિંતન
 

ગુપ્તચર સંસ્થાને શાસ્ત્રીય ઢબે વિકસાવી રહી છે એ આપણે ભૂલવું ન જોઈએ. કેટલાંયે પરદેશી વેપારી મંડળ, નિષ્ણાતો, વિદ્યાગુરુઓ, શોધકો, પર્વતપર ચઢનારાં મંડળો, અને પરદેશી ગણિકાઓ અને કલાકારો પણ રાજ્યના ગુપ્તચર વિભાગમાં કામ કરતાં સાબિત થાય તો નવાઈ નહીં. પરંતુ એ ગુપ્તચરની યોજના તદ્દન છૂપી રહે છે અને તેનું અસ્તિત્વ હોવા છતાં તેનું કાયદેસરપણું ખુલ્લી રીતે સ્વીકારતું નથી. ગુપ્તચર પરરાજ્યમાં પકડાય તો તેની જવાબદારી કોઈ પણ રાજકીય સંસ્થા સ્વીકારતી નથી – જોકે એ ગુપ્તચર એ રાજકીય સંસ્થાએ મોકલ્યો હોય તો પણ.

પરંતુ પ્રતિનિધિમંડળ, એલચી મંડળ તો રાજ્યની કાયદેસર સંમતિ પામેલું મંડળ હોય છે અને જે રાજ્યમાં તે જાય તે રાજ્યે પણ તેના પ્રતિનિધિત્વનો સ્વીકાર કરેલો હોય છે. એ સંસ્થા પ્રતિષ્ઠિત ગણાય છે, કાયદેસર ગણાય છે અને બન્ને રાજ્ય વચ્ચેના સંબંધો સારા બનાવવા માટે તેને માથે ખૂબ ભારે જવાબદારીઓ હોય છે. પ્રાચીન કાળ કરતાં આજની દુનિયા વરાળ, વીજળી અને વિમાન અંગે બહુ સાંકડી બની ગઈ છે. દુનિયાનાં દેશો અને દુનિયાની પ્રજાઓ બહુ પાસે પાસે આવી ગયાં છે. આંતરરાષ્ટ્રીય સંબધો વધી ગયા છે, અને ગાઢ બનતા જાય છે. અને જો એ કારણે મોટાં નાનાં છમકલાં પ્રજા પ્રજા વચ્ચે થવાના સંભવો વધતા ગયા, છતાં, આંતર- રાષ્ટ્રીય એકતા એટલી વધતી જાય છે કે પરસ્પર અવલંબનનો ખ્યાલ વિકસતો જાય છે અને ઉપસ્થિત થતા પ્રશ્નોના નિરાકરણ અર્થે આંતરાષ્ટ્રીય શિષ્ટતાના પ્રકારો વિકસતા જાય છે. આંતરષ્ટ્રીય સંમેલનો અને પરિષદો વિપુલ પ્રમાણમાં મળે છે. આંતરાષ્ટ્રીય કાયદા અને આંતરાષ્ટ્રીય અદાલતનાં સ્વરૂપ સ્પષ્ટ થતાં જાય છે, અને એમાંથી આગળ વધીને એક માનવરાજ્યની ભાવના પણ પણ જાગૃત થતી જાય છે. એ ભાવના જ્યારે સફળ થાય ત્યારે ખરી. હજી આજ પણ એ ભાવના એક સ્વપ્નના પ્રદેશમાં વસે છે. છતાં માનવ મહા–રાજ્યની ભાવના દૃઢ કરવાના માનવ રાજકીય પ્રયત્નો આપણે ધ્યાનમાં લેવા જોઈશે.

(૧) હેગની આંતરરાષ્ટ્રીય અદાલત.