પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકીય પ્રતિનિધાન ૧૮૯
 

ભારતને કદાચ નવાઈ લાગશે છતાં નૂતન ભારતે એ જાણવું જરૂરી છે કે પ્રાચીન ભારતે પ્રતિનિધિ મંડળોની સંસ્થા સારા પ્રમાણમાં વિકસાવી હતી અને તેનો વ્યાપક ઉપયોગ પણ કર્યો હતો. પ્રાચીન કાળના પ્રતિનિધિ મંડળોની ટૂંકી કથની આજ પણ રસભરી થઈ પડે એમ છે. આપણે ટૂંકા ઉલ્લેખમાં થોડાં પ્રાચીન પ્રતિનિધિ મંડળો ઓળખી લઈએ :

(૧) રામે રાવણ તરફ મોકલેલી વિષ્ટિમાં અંગદનું પ્રતિનિધાન રામાયણમાં સુપ્રસિદ્ધ છે. ગુજરાતીમાં, ખાસ કરીને કવિ શામળ ભટ્ટનું અંગદવિષ્ટિનું કાવ્ય જાણીતું છે.

(૨) પાંડવો તરફથી પ્રતિનિધાન મેળવી કૌરવો પાસે ગયેલા વિષ્ટિકાર કૃષ્ણની વિષ્ટિ અને તેનાં પરિણામ જાણીતાં છે. કવિતામાં પણ એ ગવાયાં છે.

(૩) ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના યુગમાં ઈ. સ. પહેલાંની ત્રીજી ચોથી સદીમાં સીરિયાના ગ્રીક રાજવી સેલ્યુકસ નિકાટરના પ્રતિનિધિ તરીકે આવેલા મેગસ્થીનીસનું પ્રતિનિધાન જાણીતું છે. મેગસ્થીનીસનું ‘ઈન્ડીકા’ નામનું પુસ્તક આજ પણ એ યુગની ભારતીય કીર્તિનો કિંમતી દસ્તાવેજ છે.

(૪) ચંદ્રગુપ્તના પૌત્ર અશોકનો ઇતિહાસ તો જાણીતો છે. એના પોતાના જ લખાવેલા શિલાલેખમાં એણે મેાકલેલા પ્રતિનિધિ મંડળનો ઉલ્લેખ મળી આવે છે. એનાં પ્રતિનિધિમંડળો રાજકીય તો હતાં જ; સાથે સાથે તે ધર્મપ્રચારનાં મંડળો હતાં તે ભૂલવા સરખું નથી. એના છ પ્રતિનિધિમંડળો તો એના લેખ ઉપરથી જ ગણાવી શકીએ એમ છે : (૧) લંકામાં પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાની આગેવાની નીચે મોકલેલું મંડળ ( ૨ ) સીરિયાના એન્ટીઓકસના દરબારમાં (૩) ઇજિપ્તના ટોલેમીનાં દરબારમાં. (૪) મેસીડોનિયાના એન્ટીગોનસના રાજ્યમાં. (૫) મેગસના ક્રાઈરીનને યાં (૬) એપીરસના એલેકઝાન્ડરના દરબારમાં, આ યુગનું ભારત આમ એશિયા, યુરોપ અને આફ્રિકાના વિવિધ રાજ્યો સાથે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધમાં હતું એ સહેજ પૂરવાર થઈ શકે એમ છે.