પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮ : સાહિત્ય અને ચિંતન
 

છે : કાઠિયાવાડમાં ઉચ્ચ પ્રદેશની વચમાં આવેલા ખાડાવાળા ભાગને– ખીણને ઘેર નામ આપે છે. ઊંચાણથી ઘેરાયેલો પ્રદેશ તે ઘેર. શ્રી. રાયચુરાએ પોતે જ પ્રસિદ્ધમાં આણેલો બીજો પ્રદેશ તે નાઘેર–એટલે જે પ્રદેશ જાતે જ ઊંચો હોય અને એની આસપાસ એથી વધારે ઊંચાણ ન હોય એ નાઘેર. એવી જ રીતે ઊંચી જમીનના ઘેરા વગરના પ્રદેશને વાઘેર કહેતા હોય અને પ્રદેશના નામ ઉપરથી તેમાં વસતી પ્રજાનું નામ પડ્યું હોય એ બહુ સંભવિત છે, જો કે હજી એ માત્ર કલ્પના જ કહેવાય.

ઓખામંડળમાં મધ્યયુગના રજપૂતોની પણ અવરજવર જાણીતી છે. ચાવડા રજપૂત કનકસેને વસાવેલી નગરીનાં ખંડેરો આજના વસાઈ ગામની આસપાસ જોવા મળે છે. કનકસેનના એક ભાઈ અનંત દેવે દ્વારકામાં ગાદી સ્થાપી, જેને પરમારવંશી હેરોલ રજપૂતોએ પદભ્રષ્ટ કર્યો. મારવાડથી રાઠોડો પણ તેરમા શતકમાં ત્યાં આવ્યા અને તેમણે હેરોલ સરદારનું ખૂન કરાવ્યું. ત્યારથી એ રાઠોડો વાઢેરને નામે એળખાય છે. વાઢી નાખનાર તે વાઢેર. એક હેરોલ રજપૂતની કન્યા આ ખૂનમાંથી બચી ગઈ, તેણે માલાણી વાઘેરને ઘેર આશ્રય લીધો; અને તે વાઘેરની પુત્રી તરીકે ઓળખાઈ. એક ચંદ્રવંશી હમીર આ વાઘેર કન્યા સાથે પ્રેમમાં પડ્યો, અને બન્નેનાં લગ્ન પણ થઈ ગયાં. ઘણા રજપૂતોને આ સંબંધ પસંદ ન પડ્યો. વાઘેર કોમની બહાદુરીના ઘણા પ્રસંગા ખરા; છતાં તેમની ચાંચીયાગીરી અને મચ્છીમારનો ધંધો તેમને સામાજિક કક્ષામાં નીચા જ ઉતારે. વાઘેર પુત્રીના પ્રેમી હમીરે પોતાની જાડેજા અટક તિરસ્કારમાં છોડી દીધી અને પોતાની નવી અટક માણેક રાખી. વાઘેરોમાં આમ એ રજપૂત સંપૂર્ણ ભળી ગયો; ત્યારથી વાઘેરોનો રાજવંશ માણેકને નામે એળખાય છે.

આ વાઘેરોનું, ચાંચિયાપણું પણ અરબી સમુદ્રનું એક ભયંકર ભયસ્થાન હતું. વાઘેરો સરસ વહાણવટી. દ્વારકા અને ઓખામાં ખુલ્લો અને રક્ષાયલો દરિયો પણ ખરો. હિંદની પશ્ચિમ બાજુએ સૌથી આગળ વધેલા દરિયાઈ ભાગ તરીકે આપણે ઓખા મંડળને ઓળખી શકીએ. પરદેશ ઉપર ઓખા મંડળની નજર પહેલી જ પડે. એ