પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટીનાં માનવી : વાધેર ૧૯૯
 

ઓખામંડળના વાઘેરો વહાણો લઈ વહાણવટી બની દેશ–પરદેશ ફરતા અને વખત આવ્યે દરિયાઈ લૂંટ–ચાંચિયાપણું પણ કરતા. આખી વાઘેર કોમનો દેખાવ બહુ જ રૂઆબદાર, હષ્ટપુષ્ટ અને ભવ્ય. દોડવામાં એની બરોબરી ભાગ્યે જ કોઈ કરી શકે. સુપ્રસિદ્ધ મૂળુ માણેક, દેવા માણેક અને જોધા માણેકનો ઝવેર સીદીને નામે ઓળખાતો સાથીદાર ભલભલી ઘોડીઓને પણ બાજુએ મૂકે એવી ઝડપી અને લાંબી દોડ ધરાવતો હતો. વાઘેરોની ચાંચિયાગીરીના ઐતિહાસિક પ્રસંગો પણ ઘણા છે,

મહંમદ બેગડાના સમયમાં સમરકંદના એક ધર્મગુરુ મક્કાની યાત્રાએ જતા હતા. તેમને વાઘેરના એક સરદારે લૂંટી લીધા. તે વખતે સાંગણનો પુત્ર ભીમજી વાઘેરોનો સરદાર હતો. મહુંમદ બેગડાએ વાઘેરો ઉપર ચઢાઈ કરી. ગમે તેટલી બહાદુર જાત; પણ અંગત શુરાતન સિવાય બીજું કાંઈ પણ સાધન તેમની પાસે નહિ, એટલે દ્વારકા, બેટ તથા બીજા ટાપુઓમાં આશ્રય લેતો ભીમજી મુસ્લિમોને હાથે પકડાઈ આમદાવાદ ગયો. બેગડાની દંતકથા પ્રમાણે એનો દુશ્મન બે જ રીતે છૂટકારો મેળવે: કાંતો મુસ્લિમ બનીને: કાં તો મૃત્યુને ભેટીને. ભીમજીએ મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો નહિ, એટલે મુસ્લીમ ધર્મગુરુના લૂંટલા વહાણ બદલ તેનો વધ કરવામાં આવ્યો અને તેના શરીરના ટુકડા અમદાવાદને દરવાજે લટકાવવામાં આવ્યા. ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહને અકબરે હરાવ્યો ત્યારે એ કમનસીબ સુલતાને ગુજરાત-કાઠિયાવાડ–કચ્છમાં જુદે જુદે સ્થળે આશ્રય લીધો. તેમાંનું એક આશ્રયસ્થળ તે વાઘેરેાનો આરંભડા બેટ. મોગલોનું સૈન્ય અસંખ્ય અને વાઘેરો મુઠ્ઠીભર; છતાં જ્યારે આરંભડાને મોગલ લશ્કરે ઘેરો ઘાલ્યો ત્યારે વાઘેર સવાજીએ મોગલોને નમતું ન આપ્યું, મુઝફ્ફરશાહને કચ્છ બાજુ ભાગી જવાની સગવડ કરી આપી અને તે મોગલો સાથેની લડાઈમાં ખપી ગયો. એવી વાઘેરની ટેક કંઈક ઈતિહાસનાં પાનાં અજવાળી ગઈ છે. સવાજીના દીકરા સાંગણજીને સિંધમાંથી પાછો બોલાવી માણેક સામળાએ ગાદીએ બેસાડી મોગલોના થાણાને ઓખામાંડળમાંથી હાકી કાઢ્યાં, જામનગરમાંથી જામ રાયસિંહના