પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૨ : સાહિત્ય અને ચિંતન
 

આવ્યા અને અંતે છેક પાસે આવી લાગ્યા. મૃત વાઘેરોના શબમાં આછો પણ જીવ રહ્યો છે કે નહિ તેની ખાત્રી કરવા બન્ને સાહેબોએ એ વાઘેરોના દેહમાં ભાલા ખોસ્યા, છતાં એકે શરીરનું રૂવાડું સરખું હાલ્યુ નહિ. બન્ને ગોરાઓને હવે ભય ન રહ્યો. બન્ને શબની પાસે બન્ને ગોરાએ આવી લાગ્યા, અને ચમત્કાર થયો ! બન્ને વાઘેર વીરોનાં ભાલાવાળાં મુર્દા બેઠાં થઈ ગયાં ! મૂળુ માણેકે પાસે રાખેલી તલવાર ખેંચી, આખા જીવનનું જોર લાવી એવા પ્રબળ ઘા હેબર્ટ ઉપર કર્યા કે એ ગોરા દેહના બે ટુકડા થઈ ગયા. એ જ ક્ષણે દેવા માણેક પાસે પડેલી બંદુકનો ઘેાડો દખાયો, સણસણતી ગોળી લાટુસના દેહમાં પેસી ગઈ અને આમ એ બન્ને અંગ્રેજોને મારી મુળુ અને દેવામાણેકે છેલ્લો શ્વાસ લીધો. આ વાઘેર વીરો મરતાં એક દૂહો કાંઠિયાવાડમાં પ્રચલિત થયો:

નારી નત રંડાય, નરને રંડાપો હોય નહિ;
પણ ઓખો રંડાણો આજ, મરતાં માણેક મૂળવો.

હવેતો વાઘેરો ભણે છે, ગણે છે, મજૂરી કરે છે, ધંધો કરે છે અને શાંતિપ્રિય સમાજઘટક તરીકે સામાન્યતામાં આવી ગયા છે. પરંતુ આ માટીના રહેલાં અથાગ સાહસ, અપૂર્વ શૌર્ય, અસીમ ઉદારતા, આદર્શ માટે જાન આપવાની તૈયારી અને મોતને પણ ઠોકર મારતી નિર્ભયતા આપણને ચક્તિ કરે છે. સમાજમાં આવા ગુણો જરૂર ખીલવા જોઈએ. અને તેમાંયે આઝાદ હિંંદમાં તો વાઘેરના સદ્‌ગુણોને જરૂર આમંત્રણ મળતાં જોઈએ. એ વગર હિંદની આઝાદી ફિક્કી બની જશે. અસીમ સાહસમાંથી જન્મતી ચાંચિયાગીરી કે લૂટફાટની વૃત્તિ સમાજમાં ન જોઈએ; સમાજના કોઈ ઘટકમાં ન જોઈએ, છતાં વાઘેરોનો વિચાર આવે છે ત્યારે પૂછવાનું જરૂર મન થાય છે કે ઓગણીસમી સદીના વાઘેરો સારા કે વીસમીસદીના કાળા બજારીઓ સારા ? વાઘેરોની લૂંટફાટને નીતિની કોઈક પણ મર્યાદા હતી. કાળાં બજારમાં કઈ નીતિમર્યાદા છે એ હજી શોધનો વિષય છે. માટીના માનવીમાં માણેક ઉપજાવવાની શક્તિ છે, એમ વાઘેરોના જોધા માણેક, દેવા માણેકના જીવન ઉપરથી આપણે જોઈ શકીશું.