પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬ : સાહિત્ય અને ચિંતન
 

પડી નમાજ પડતો હતો. એ રસ્તેથી એક મિયાણો જાય. મિયાણાએ સહજ મશ્કરીમાં પૂછ્યું કે આમ ઘૂંટણીએ પડી ઘડી ઘડી નમન કરતા આરબને આવી બધી બીક કોની લાગે છે ? આરબ પણ સૈનિક હતો, મિયાણાને તેણે ઓળખ્યો, અને જવાબ આપ્યો:

“અલ્લા સિવાય… ઈશ્વર સિવાય મને કોઈનો પણ ભય નથી. તારો–મિયાણાનો પણ નહિ.

મિયાણાએ હસીને સામો જવાબ આપ્યો: ‘એમ ? તમે ઈશ્વરથી ડરો છો ? મારી સાથે માળિયા આવો તેા હું તમને બતાવું કે અમે માળિયામાં ઈશ્વરથી પણ ડરતા નથી.”

સપડાઈ જાય ત્યારે ફાવે તેવાં વયનો તેઓ આપે, પરંતુ એકે વચન કે એકે જામીનગીરી મિયાણાઓ પાળશે કે કેમ તે વિષે અમલદારોને સદા શંકા રહેતી. એક બાજુએ તહેવારોમાં તોફાન નહિ કરીએ, સ્ત્રીઓની મશ્કરી કરીશું નહિ, ચોરી લૂંટ કરવી એ ખોટું છે, એવું ખત ઉપર લખી આપે અને બીજી ક્ષણે ધોરી રસ્તા ઉપર લોકોને લૂંટી ગામડાઓ ઉપર છાપા મારે, ઢોર વાળી જાય, ઘરફોડ ચોરી કરે, સ્ત્રીઓને ઊંચકી જાય અગર બળજબરીથી કોઈ શેઠ- શાહુકાર કે વેપારી પાસે પૈસા પડાવે. કેટલાક અભ્યાસીઓનું તો એમ માનવું છે કે લુંટારા તરીકેનું મિયાણાઓનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે! વેર લેવાની પણ તેમની ભારે ખાસિયત જણાય છે, અને વિરોધીઓનાં નાક કાપી જીવનભરની શરમમાં નાખવાની કલા તો મિયાણાઓની જ કહેવાય. કેદખાનાં ભાંગવાં અને પહેરામાંથી નાસી છુટવું એ કલા પણ તેમણે સારી રીતે સાધ્ય કરી છે. હથિયારો અને દારૂગોળો સારા પ્રમાણમાં તેઓ પોતાની પાસે રાખતા અને સારાં હથિયારો મેળવવામાં ચોરી કે લૂંટ કરતાં તેમને જરીકે સંકોચ થતો નથી. સાઠસાઠ અને સો સો માઇલ પોતાના સ્થાનથી દૂર જઈ ચોરી અને લૂંટ મિયાણાઓએ કર્યાનાં જોઈએ એટલાં દૃષ્ટાંતો છે.

ચાલીસેક વર્ષ ઉપરની એક વાત છે, જ્યારે અમદાવાદ, વડોદરા અને ખંભાતમાં રંજાડ કરી રહેલા મિયાણાઓને પેટલાદ કેદમાં પૂર્યા,