પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮ : સાહિત્ય અને ચિંતન
 

ભાગના ગોળીએ વીંધાઈ મરણ પામ્યા અને માત્ર જૂજજાજ ગુનેગારો હાથ લાગ્યા. આ પ્રસંગ ઉપરથી મિયાણાઓની બહાદુરી, ઉપદ્રવની તાકાત, કાવત્રાં અને વ્યૂહરચનાની આવડત અને અસીમ સાહસનો સૌને ખ્યાલ જરૂર આવશે.

મિયાણા મરી જાય પણ ગુન્હો કબૂલ કરે નહિ; માત્ર તેમની ટોળીના આગેવાનો કોઈ કારણસર ગુનાની કબુલાત કરવા પ્રેરાય, તો જ મિયાણો પોતાની ચારી લૂંટ વિષે સાચી વાત કહે.

ચોરીનો માલ સંતાડવામાં પણ મિયાણો બહુ કુશળ હોય છે, એમનો ચોરેલો માલ લઈ તેને ગાળી વેચવાની વ્યવસ્થા કોઇ વાણિયા, બ્રાહ્મણ કે લુવાણો ખસુસ કરનાર કોઈ મળી આવે છે.

આપણે એમના ગુન્હાને ક્ષણભર પણ પસંદ ન કરીએ. પરંતુ ગુન્હાઓની આસપાસ પ્રદર્શિત થતી તેમની કલા, આવડત, બહાદુરી, અને સાહસો તો જરૂર આપણું ધ્યાન અને માન ખેંચે ખરાં. આવી કોમ જેને મરવા મારવાની બીક નહિ એ સમાજનું ઉપયોગી અંગ બની રહે તો તેમનામાંથી દેશનું રક્ષણ કરનારા કેટકેટલા વીર સૈનિકો મિયાણા કોમમાંથી ઉપજી આવે.

માત્ર પોણોસો વર્ષ ઉપરની એક વાત છે. આપણા બાપ કે દાદાના વખતની એ વાત છે, જે વાત કહેનાર અને સાંભળનાર હજી પણ હયાત હોય એ સંભવિત છે. ઈ. સ. ૧૮૮૦–૯૦ નો દસકો હતો ત્યારે કાઠિયાવાડમાં મોવર સંઘવાણીનું નામ નાના મોટા સૌને મુખે રમતું હતું. માળિયા દરબારનો એ જમાદાર કહેવાય; પરંતુ એનું કામ લૂંટફાટનું.

માળિયા અને મોરબી ભાઈ ભાઈનાં રાજ, છતાં લાંબા વખતની અદાવત ચાલ્યા જ કરે. મોરબી દરબારની સોનાની પાટો અને મશરૂના તાકા ઊંટ ઉપર લદાઈ ચાલ્યા આવતા હતા. મોવર અને એના આઠ સાથીઓએ છાપો માર્યો, અને માલ લૂંટી લીધો. આખો કાઠિયાવાડ પ્રદેશ આ લૂંટથી ચમકી ગયો. માળિયા ઠાકોર ઉપર એજન્સીએ ખૂબ