પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખરું રાત્રે પોતાના કુટુંબ ભેગો આવી રહેતો. પરંતુ તે છુપાઈને જ. વીજીબાઈને દિવસો રહ્યા. કારભારીએ વીજીબાઈની મશ્કરી કરી પરપુરુષના સંબંધનું સૂચન કર્યું. વીજબાઈએ આ મશ્કરીની વાત મોવરને કરી. માળિયાની નજદીક કારભારી...ગીરધરલાલ એક દિવસ સીગરામમાં આવતા હતા, ત્યાં મોવરે તેમને ઝાલ્યા અને પોતાની પત્નીની કરેલી મશ્કરીનો જવાબ માગ્યો. કારભારી કરગરી પડ્યો અને ૫૦૦૦ રૂપિયા સિંધવાણીને આપવા માંડ્યા. પણ મોવરે હસીને કહ્યું:

“જુઓને કારભારી, જેમ તમે ઠેકડીના શોખીન છો તેમ મારી બીજલ પણ ઠેકડીની શોખીન છે. એને પણ હસવાનું સાધન જોઈએ ને?”

આટલું કહી મોવરે કારભારીનું નાક કાપી લીધું, અને એ ગુનાની ખબર કારભારી આપે એ પહેલાં ગાઉના ગાઉ મિયાણાની ટોળી નીકળી ગઈ.

મોવરને બહાદુરીની પણ ભારે કિંમત હતી. એક વરની જાન જુવાન બ્રાહ્મણ વળાવિયા સાથે ચાલી જતી હતી. મોવરે તેને અટકાવી. બ્રાહ્મણ જુવાન એ બહારવટિયાની ટોળીની સામે થયો. સંધવાણીએ તેને બંદુક બતાવી. પરંતુ એ બ્રાહ્મણ યુવક ખસ્યો નહિ. સંધરાણીએ બ્રાહ્મણની પીઠ થાબડી કહ્યું : “રંગ છે જુવાન, તું સાચો વળાવિયો છે. તારી જાન ન લુંટાય.” કહી તેણે જાનને જતી કરી.

આ મિયાણા બહારવટિયાની આવી તો કંઈક વાતો છે.

અંતે સાલમન નામના એક ગોરા સાહેબે છ માસમાં સંધવાણીને પકડવાનું પણ લીધું. મુદ્દત થવા આવી. છેવટે તેના ભાઈ પેથાએ આવી સંધવાણીના કુટુંબની દુર્દશાનું વર્ણન આપ્યું અને સાહેબને શરણે થવાનું કહ્યું. એ શરણની પાછળ સાહેબનો એક કોલ હતો કે સંધવાણી હાજર થશે તો તેને જરાપણ સજા નહિ થાય. અને થયું પણ તેમ. મોવર હાજર થયો, દસ દિવસ તેના ઉપર મુકદમો ચાલ્યો અને બહારવટિયાની લાલ આંખ નીહાળી રહેલા કોઈપણ સાક્ષીએ એમ ન કહ્યું કે લૂંટ કરનાર આ મોવર જ હતો.

આટઆટલાં બહારવટાં કરનાર મોવર નિર્દોષ છુટ્યો અને જામનગરના જામ વિભાજીએ તેને જમાદારી પણ આપી.