પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ :૧૫
 

તાકાત અને શબ્દોમાં રહેલી શક્તિનો સારો પરિચય એ બન્ને ગુમાવી આપણી કવિતા મોટાઈ અને શિષ્ટતાનો બુરખો ઓઢી બેસી ગઈ છે, એમાં તેણે પ્રજાકીય સંચલન તરીકેનું બળ ખોઈ નાખી પોતાની જ કિંમત ધટાડી દીધી. “વિશ્વશાન્તિ” એ આજનું ભવ્ય કાવ્ય પરંતુ “ગુજરાત મોરી મોરી રે’ એ ગુજરાતને કંઠે ચઢેલું કાવ્ય છે. કયું વધારે વ્યાપક? બેમાંથી કયું કાવ્ય વધારે જીવશે?

કાવ્યોમાંથી ગેયત્વનોબહિષ્કાર કરવાની ઓગણીસમી સદીથી આપણને લાગેલી ઘેલછા પૃથ્વી છંદના સોનેટમાં પરિણામ પામી છે. પૃથ્વી છંદમાં ગેયત્વ નથી એવો ભ્રમ સાથે ઉત્પન્ન થયો, પોષાયો એને કાવ્યમાં ગેયત્વ ન હોવું જોઈએ એ ભ્રમ સાથે અનુકૂળતા મળતાં ભેગો થઈ ગયો. હવે તો પૃથ્વી છંદમાં ન લખે એ કવિ જ નહિ ભ્રામક માન્યતાએ આપણે પહોંચી ગયા છીએ.

વધારામાં આપણી એક એવી પણ માન્યતા બંધાઈ છે કે બહુ ઉર્મિલતામાંથી સારી કવિતા ઉત્પન્ન થતી નથી, અને જે ઉત્પન્ન થાય છે તે કવિતા નામને લાયક થતી નથી. સાચી કવિતા તો ચિંતનમાંથી જ ઉત્પન્ન થાય. અને એનું સચ્ચાઈભરેલું ઘડતર પણ ચિંતનમાંથી જ ધડાય ! જાણે ઊર્મિ અને ચિંતન એ બન્ને સામસામે મોરચે ઉભેલાં માનવ વલણ ન હોય ! કવિતાને નવો નિશાળિયો પણ એટલું તો સમજી જ શકે કે ઊર્મિ એટલે ઘેલછા ભર્યા માનસિક આંદોલનો જ માત્ર નહિ. ઊર્મિમય વાણીમાં શબ્દાર્થ, વાચ્યાર્થ અને વ્યંર્ગાથ એ ત્રણ અર્થ આવવા જ જોઈએ, જે સિવાય કવિતાનો “ક” પણ રચાય નહિ. એનો અર્થ એટલો જ કે ચિંતન વગરની, અર્થ વગરની ઊર્મિ કવિતા નહિ પરંતુ પ્રલાપ બની રહે છે. ચિંતન પણ ઊર્મિ પ્રેરક ન બને, ઊર્મિમાં ન ઉતરે, ઊર્મિએ આપેલી વાણીમાં આકાર ન લે ત્યાં સુધી ચિંતન પણ કાવ્ય બની શકે નહિ, એ ચિંતનમતવાદીઓએ જાણવું જરૂરી છે. વળી ઉર્મિ અને ચિંતન એ બને માનસિક વલણ સર્વદા પરસ્પર વિરોધી હોતાં નથી, પરંતુ ભેગાં થઈને બન્ને ઉત્તમોત્તમ કવિતાઓ રચી શકે છે. ઉર્મિ અને ચિંતનની કવિતાપ્રેરક શક્તિ સંબંધી વધારે ઊંડી ચર્ચામાં અત્યારે ન ઉતરતાં આપણે એ પરિસ્થિતિ સ્વીકારી લઈને ચાલીએ કે