પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦ : સાહિત્ય અને ચિંતન
 

અભ્યાસ ખાતર આપણે ઓળખવી જોઈએ જ.

સોળને બદલે ચૌદ લીટીઓમાં કાવ્ય પતાવવાથી, ચરણને છેડે વિશ્રામ લેવાને બદલે એક ડગલું વધારે કુદી વિશ્રામસ્થાન નિયત કરવાથી, અને સ્પષ્ટ, પ્રવાહી અર્થ અને શબ્દરચનાને બદલે દંડબેઠક કાઢી તાકાત મેળવી કાવ્ય સમજવાની જરૂર ઊભી કરી ચિંતનના આરોહ-અવરોહની ભ્રમણા ઊભી કરવાથી નવીન સિદ્ધિ મળતી નથી. પ્રયોગ ઈષ્ટ છે; પ્રાગપૂજા એ માત્ર મૂર્તિપૂજા છે.
સંગીત અને સાહિત્યને–કાવ્યને તાત્વિક સંબંધ ભલે ન હોય.બે વચ્ચે વિરોધ જ હોવો જોઈએ, અને ન હોય તે તે ઉભો કરવો જોઈએ, એવી ઝાંખી પણ તીવ્ર બનતી જતી ભ્રામક માન્યતાએ અનેક સ્વરૂપો ધારણ કરી અને પૃથ્વી છંદી સોનેટનું સ્વરૂપ લીધું છે એ રખે આપણે ભૂલીએ.
સંગીતનો સંબંધ અળગો કરતાં સાહિત્યે–ખાસ કરીને કવિતાએ પોતાનું સાર્વજનિક સ્વરૂપ ગુમાવ્યું છે. એથી જનતાને અસર કરવાની શક્તિ ઠીક પ્રમાણમાં સાહિત્યે ખોઈ દીધી છે. કવિતા જો શબ્દશક્તિ અને તાલ-લય ઉપર અંશત: પણ આધાર રાખતી હોય તો સ્વાભાવિક રીતે જ તે ડોલન અને સંગીત પાસે આવીને ઊભી રહે છે. સંગીતનો લંબાયેલો હાથ તરછોડવાની જરૂર કોઇ પણ ભાષામાં–કોઈ પણ સાહિત્યમાં ઊભી થઈ નથી. સંગીતથી કવિતાને દૂર કરવામાં ભારે વિદ્વદ્મર્દાનગી રહી હોય એવો ગર્વ હવે ઓછો થાય તે વધારે સારું.
છતાં ગુર્જર કવિતાએ ગઈ સદીથી આજ સુધી આવી ભ્રમણામાં પડી સાહિત્યને–ખાસ કરીને કાવ્યને એવું સ્વરૂપ આપી દીધું કે જેથી સાહિત્ય અને સામાન્ય જનતા વચ્ચેનું અંતર વધતું જ ચાલ્યું. પ્રાચીન શિષ્ટ ગણાતા સાહિત્યે જેટલે અંશે સામાન્ય જનતાના હૃદય ઉપર સ્વામીત્વ મેળવ્યું છે તેટલે અંશે આપણ નવા શિષ્ટ સાહિત્યે મેળવ્યું નથી, એમ આપણે કબૂલી લેવું જોઈએ. કોશિયાઓ પણ સમજે અને મુખપાઠ કરી લે એવી કવિતા રચવાની ગાંધીજીની સૂચના આપણા સાહિત્યની આ ખામી ઉપર સહુનું લક્ષ ખેંચે છે.