પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સાહિત્યનો માર્ગ
[૧]

તમને સાહિત્ય ગમે છે ?

કદાચ આપ સામો પ્રશ્ન કરશો કે સાહિત્ય શું એ સમજ્યા વગર ઉત્તર કેમ અપાય ?

અને અમને સાહિત્ય સમજવાની કુરસદ કયાં છે? એવો બીજો પણ પ્રશ્ન કદાચ આપ પૂછશો.

જેને ફુરસદ ન જ હોય એને સાહિત્ય સમજાવવાનો આગ્રહ ન જ થઈ શકે. એને એટલું જ કહેવાનું કે, ફુરસદ હોય કે ન હોય : પ્રત્યેક માનવીના જીવનમાં પ્રવેશ કરવાની, પ્રત્યેક માનવીના જીવનને ઘડવાની સાહિત્યને વિશાળ ફુરસદ યુગયુગથી મળી છે. સાહિત્ય સમજાય કે ન સમજાય તોય સાહિત્ય માનવીની આસપાસ હવા જેવું વ્યાપક બની રહે છે.

સહુએ હાલરડાં તો સાંભળ્યાં જ હશે. હાલરડાં વગર ઉછરેલું કોઈપણ બાલક કલ્પી શકાય એમ નથી. એ હાલરડાંમાં ઘણું સાહિત્ય સમાયેલું છે. શ્રી. મેઘાણીએ રચેલું શિવાજીનું હાલરડું તમે જરૂર સાંભળજો.એમાં–અરે ગમે તે હાલરડામાં તમને સાહિત્ય મળી આવશે.

વડોદરા રાજ્યના હવે વિલીન થયેલા વિસ્તારમાં તો લગભગ ગામેગામ શાળાઓ છે. પ્રાથમિક કેળવણી ફરજિયાત છે. આપણે સહુએ તે મેળવી છે. આપણી વાચનમાળાઓમાં પાઠ અને કવિતા બન્ને આપેલાં હોય છે. એમાં પણ સાહિત્ય મળી રહે એમ છે.

એથી આગળ જઈએ તો આપણા ભણતરમાં સાહિત્ય વિસ્તરેલું પડ્યું જ હોય છે.

પરંતુ ભણતર બહાર પણ સાહિત્યનો વ્યાપકપડઘો આપણે સાંભળ્યા જ કરીએ છીએ. તમે ભાવિક હો તો મંદિરમાં કે શેરીમાં કથા સાંભળો છે. ભાગવતની કથા હોય કે મહાભારતની, શાસ્ત્રી કહેતા હોય કે ગાગર ભટ્ટ: તમે જાણો છો કે એ બન્ને કથા ગ્રંથો અદ્ભુત સાહિત્યગ્રંથો છે?