પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬ : સાહિત્ય અને ચિંતન
 

હું જોઈ શકું છું કે સાહિત્ય સમજવાની આજના ધમાલ ભર્યા જીવનમાં તમને ફુરસાદ ન હોય અને વૃત્તિ પણ ન હોય. હશે, પણ તમે નાટક કે સિનેમા કદી જોયાં જ નથી એમ કહો એતો કેમ મનાય ? ગાંધીજીએ પણ છેલ્લે છેલ્લે સિનેમાનાં કેટલાંક દશ્યો જોઈ લીધાં હતાં એમ યાદ આવે છે. એ નાટક કે ચલચિત્રોના કેટલાય પ્રસંગો તમને હસાવે છે, રડાવે છે, ભયભીત કરે છે, શૃંગાર અભિમુખ કરે છે, આશ્ચર્ય ઉપજાવે છે, જોમ અર્પે છે, ગુસ્સે કરે છે, કંટાળો ઉપજાવે છે. તમે જાણો છો આવા આવા ભાવ ઉપજાવતા પ્રસંગો, ગીતો અને સંવાદ સાહિત્યને જ સર્જે છે ? આંખમાં આંસુ લાવતાં કરુણ મૃત્યુ ગીતો કે પ્રસંગો પણ સાહિત્ય બની રહે છે એમ આપ જાણશો એટલે આપને સાનંદાશ્ચર્ય સમજાશે કે હાલરડાથી માંડી મૃત્યુનાં શોકગીત– મરસિયા સુધી–એટલે બાળજન્મથી માંડી જીવન અંત સુધી સાહિત્યનું વાતાવરણ વ્યાપી રહેલું છે. સાહિત્યને આપણે સમજીએ કે ન સમજીએ, સાહિત્ય સમજવાની આપણે ફુરસદ લઈએ કે ન લઈએ: સાહિત્ય પોતે જ ડગલે અને પગલે સામે આવી આપણું શ્વાસ સરખું જીવંત તત્વ બની આપણને વીંટળાઈ વળે છે. સાહિત્ય આપણું જાણીતું સંસ્કાર સંચલન છે. એ નિત્યવ્યાપક બળ છે. એ આપણા જીવનને ઘડે છે, એથી દૂર નાસવાની જરૂર નથી. એથી મુંઝાવાની જરૂર નથી. એને તિરસ્કારવાની જરૂર નથી. હાલરડાં, વાર્તા, નાટક, ભજન, પ્રેમગીત, વીર કથા, દેવકથા એ બધાં સાહિત્યનાં સ્વરૂપ છે. સાહિત્યને સાદામાં સાદી રીતે ઓળખવું હોય તો આપણે એટલું જ જાણી લઈએ કે એક સારો આપણને ગમતો પ્રસંગ, એક સારો આપણને ગમે એવો વિચાર કે એક સારી-આપણને ગમે એવી ઊર્મિ સારા શબ્દોનો આકાર લે એટલે સાહિત્ય સર્જાય.

આમ સાહિત્ય એટલે પ્રથમતઃ સારો શબ્દ કે શબ્દસમૂહ-શબ્દગુચ્છ. સાહિત્ય એટલે સારા શબ્દમાં અવતાર પામતી સારી કલ્પના, સારી ઉર્મિ કે સારી પ્રસંગપરંપરા.

આમ હવે સાહિત્ય અઘરું તો નહિ જ લાગે, ખરું ?

સારા શબ્દમાં પ્રસંગોને, ઊર્મિને, વિચારને, કલ્પનાને ઉતારવાની. જેનામાં શક્તિ હોય એ સાહિત્યકાર. એ આપણા સરખો જ માનવી છે