પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ : સાહિત્ય અને ચિંતન
 

હશે. આજની માતાઓને હાલરડાં આવડે છે કે નહિ તેની મને ખબર નથી, પરંતુ માતા અને બાળક વચ્ચેનો સંબંધ હાલરડાં અગર બાલગીતમાં સ્ફુટ ન થાય તો માનવી માનવી મટી જાય એવો મને ભય લાગે છે.

પછી આપણે નિશાળે જઈએ છીએ. નિશાળમાં પણ સાહિત્યનો આપણે સ્પર્શ કરીએ છીએ.

ઊડું જગે ઊડું વને
રીઝું હું રીઝવું તને

જેવી કવિતાથી શરૂ કરી આપણે

ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પ્હાડ સરખો

જેવાં કાવ્ય વાચનમાળામાં વાંચીએ છીએ, મોઢે કરીએ છીએ, અને મોજ આવે તો એકલા ગાઈએ પણ છીએ. આપણો રાગ સારો હોય તો બીજાઓ પણ આપણને આ કવિતાઓ ગવરાવે.

વાચનમાળામાંથી આપણે નર્મદ, દલપત, દયારામ, પ્રેમાનન્દ કે શામળ જેવા કવિઓનાં જીવનચરિત્રો પણ જાણતા થઈએ છીએ અને તેમની થોડી સાહિત્યપ્રસાદી પણ ચાખીએ છીએ.

અને જેમ જેમ આપણી ઉંમર વધતી જાય તેમ તેમ આપણે સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપનો પરિચય મેળવતાં જઈએ છીએ. જીવનની જુદી જુદી પરિસ્થિતિ પણ આપણને સાહિત્યનાં અનેકવિધ દર્શન કરાવે છે.

ગામડામાં આપણે રહેતા હોઈએ તો મહાભારત, રામાયણ કે ભાગવતની કથા સાંભળવાના આપણને પ્રસંગે મળે. શહેરમાં રહેતા હોઈએ તો જન્માષ્ટમી કે રામનવમી દિવસે કૃષ્ણજ્યંતી કે રામજયંતીની સભાઓ આપણને એ જ મહાભારત–રામાયણનો પરિચય જુદે સ્વરૂપે કરાવે. અને આપણી સંસ્કૃતિને-આપણા જીવનને ઘડનાર આપણા મહાપુરુષોનો જીવન–પરિચય આપણી કલ્પનાને ઉત્તેજિત કરે, આપણા હૃદયમાં ઉત્સાહ પ્રેરે, આપણા જીવનમાં જોમ લાવે અને તેમને પગલે ચાલવાની પ્રેરણા આપી એક ડગલું આગળ ભરાવે. આ એક રીતે જોઈએ તે પણ આપણો સાહિત્ય-માર્ગ.