પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : સાહિત્ય અને ચિંતન
 

ખામી કે ઝેર રહેલું છે. પરંતુ તેમ ન હોય તો તમે ભલે ગરબા જુઓ અને વાંચો, નાટક જુઓ અને તેનાં ગીત મોઢે કરો, અગર 'કલાપી' કે 'નાનાલાલ' ને વાંચી, 'સરસ્વતીચંદ્ર' કે 'ગુજરાતનો નાથ' નિહાળી તમારા પ્રેમને વિશુદ્ધ આકાર આપો. હું ના કહીશ તો પણ તમે આ બધું કરવાના જ. તે સમયે તમે એટલું યાદ કરજો કે તમારા આ ભાવને સાહિત્યનો ખૂબ સાથ છે.

શૃંગારરસનું નામ તો તમે સાંભળ્યું હશે, નહિ? એનાથી જરા બીવાનું પણ તમને કહેવામાં–સૂચવવામાં આવ્યું હશે. શૃંગારરસ કવિતામાં, વાર્તામાં નાટકમાં જ્યારે તમે નિહાળો ત્યારે જાણજો કે એ તમારા જીવનના આધારરૂપ પ્રેમની વાણીપ્રતિમા–કલ્પનાપ્રતિમા છે. તમારા મનોભાવ તમે એ વાણીમાં વાંચો ત્યારે સાહિત્ય સર્જાય છે. અને તમને પૂછવાની જરૂર છે કે તમે કયાં કયાં પ્રેમગીતો વાંચ્યાં? કઈ કઈ નવલકથાઓ વાંચી ? કયાં કયાં નાટક-નૃત્ય નિહાળ્યાં ? સાહિત્યથી ભડકશો નહિ એ બીજું કશું જ કરતું નથી. તમે જે ભાવ, ઊર્મિ, લાગણી, વિચાર કે આવેગ અનુભવો છો એનું એ માત્ર પ્રતિબિંબ પાડે છે. કહો, તમે અને સાહિત્ય એકબીજાથી બહુ દૂર છો ? સાહિત્યનો માર્ગ અને તમારો માર્ગ શું આ સ્થળે એક છે એમ તમને નથી લાગતું ?

અને સાહિત્યકાર પણ કાંઈ તમારાથી અળગું વ્યક્તિત્વ ધરાવતો માનવી નથી, જેનાથી તમારે આધા ખસવું પડે. તમે જે અનુભવો છે તે સાહિત્યકારવાણીમાં ઉતારે છે. એ વાણી છંદ કે લયમાં ઊતરે, પાત્રોના ઘડતરમાં ઊભી થાય અને તમને ગમે એવા કાંઈકાંઈ આકાર તે ધારણ કરે. અને કાવ્ય કહો, નિબંધ કહો, નાટક કહો, નવલકથા કહો, નવલિકા કહો ! એ બધાં અભ્યાસીઓએ, પંડિતોએ ઉપજાવેલાં વર્ગીકરણો છે. આપણે સામાન્ય બુદ્ધિના માનવીઓ એને સાહિત્ય તરીકે ઓળખીએ તે બસ છે. અને એ તમારા જ મનોભાવને આકાર આપવા મથતા કારીગર સાહિત્યકારને તમે તમારાથી જુદો માની ન્યાત બહાર ન મૂકો. સાહિત્યકાર તમારી જ મૂર્ત્તિ છે એ ભૂલશો નહિ. હા, તમે કદી પ્રેમ કર્યો ન હોય, કદી પ્રેમ કરવાના ન હો, માનવ જાતમાંથી પ્રેમ દૂર કરવાની તમે ભીષ્મપ્રતિજ્ઞા લીધી