પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનો માર્ગ : ૩૫
 

એમ જ્યારે આપણું એક પ્રસિદ્ધ કાવ્ય ઉચ્ચારે છે ત્યારે મને અને તમને પણ ખાતરી થાય છે કે તત્ત્વજ્ઞાન, તપશ્ચર્યા, વાનપ્રસ્થ અવસ્થા અને સાહિત્ય વચ્ચે જરાય વિરોધ નથી,

ઇતિહાસવેત્તાઓ જ આપણને કહી રહ્યા છે કે સાહિત્ય વગર ઈતિહાસ શોધ્યો જડત નહિ. પ્રાચીન ઈતિહાસ એટલે જ પ્રાચીન સાહિત્ય. વળી ગીબન, મેકોલે એને ફાઉડના ઈતિહાસની ભાષા સાહિત્યભાષા કહેવાય છે. એ જાણો છો ?

અને માત્ર રાજાઓનાં જન્મમરણની સાલ,તેમનાં યુદ્ધો, તેમના વિજયપરાજ્ય એ હવે ઈતિહાસને આવરી લેતાં અટકી ગયાં છે. હવે તો પ્રજાની પ્રવૃત્તિઓ, મનેભાવ, પ્રજાકીય ઉલ્કાપાતો અને સંચલનો એ જ ઈતિહાસ મનાય છે. સાહિત્યમાં જૂના ઇતિહાસ ઊભા કરવાના જ માત્ર હેય છે એમ નહિ, પરંતુ નવા ઇતિહાસ રચવાની પણ તાકાત છે એ કોઈ ન ભૂલે. ફ્રેન્ચ રેલ્યુશન, રશિયન ક્રાન્તિ અને હિન્દના અહિંસક વિપ્લવમાં સાહિત્યનું સર્જન છે, ઘડતર છે એ કેમ ભુલાય?

આપણે સાહિત્યની બહુ લાંબી વાત કરી. હું સાહિત્યકાર નથી એટલે સાહિત્યના માર્ગ દર્શાવતાં સાહિત્યની આખા જીવન ઉપર કરી વળતી અસર વિષે હું વાત કરી ગયો, આટલું કહ્યા પછી મને સાહિત્યનો માર્ગ તમને બતાવી શકાય એવો જડે છે. સાહિત્યનો માર્ગ કયો?

બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી–જન્મથી મૃત્યુ સુધીના સર્વ પ્રસંગથી ભરેલા જીવનને પોતાના આકારમાં ઉતારતો સાહિત્યનો માર્ગ તો આપણી સામે જ પડયો છે. કેટલો સ્પષ્ટ એ માર્ગ દેખાય છે! આપણે માનવીઓ જે માર્ગે જઈએ છીએ એ જ માર્ગે સાહિત્ય પણ આવે છે ! એમાં પણ આપણાં જન્મ, આપણા આર્દશો, આપણી આશાઓ આપણાં કાર્યો, આપણી ખામીઓ આપણે નિહાળીએ છીએ.

આયનામાં હું અને તમે આપણાં–પોતપોતાનાં મુખ જોઈએ છીએ, નહિ? ઉમ્મર સહજ વધતી હોય તો સંકોચ સાથે અને નહિ તો પ્રફુલ્લતાથી આપણે આપણાં દર્પણ સામે ઊભા રહીએ છીએ એ વાત છુપાવવામાં કશો અર્થ નથી.