પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : ૩૯
 

બદલાય છે, અને વાર્તા ચાંદનીમાં, બગીચામાં ફુવારાઓની વચ્ચે, પરીએના દેશમાં ભ્રમણ કરે છે. એથી આગળ જતાં મધ્ય વયનાં સ્ત્રી ઓ કે પુરુષો જ્યાં સાથે મળે છે ત્યાં–રસોડામાં, કલબમાં, મેળાવડામાં બધે વાર્તાઓ રચાય છે. આપણાં છાપાં પણ નવી નવી વાર્તાઓ રચવાને માટે બહુ ઉપયોગી થઈ પડે છે. જેમકે, બિરાદર ડાંગેએ ધારાસભામાં સરકારની ખૂબ ઝાટકણી કાઢી ! મોરારજીભાઈએ વાંકી ટોપી પહેરી હતી ! ભાષણો વખતે ધારાસભ્ય સ્વપ્નામાં રમતા હોય છે ! એ બધી વાર્તાઓ જ છે. બનતા સર્વ બનાવામાં વાર્તાતત્ત્વ રહેલું જ છે.

આમ જન્મથી વાર્તાનું સ્વામિત્વ આપણા પર ખૂબ હોય છે, અને તેથી વાર્તાનું મહત્ત્વ શાસ્ત્રીય દષ્ટિએ ઘણું છે. આથી જ શિક્ષણમાં વાર્તાનુંસ્થાન ઊંચા પ્રકારનું છે. વાર્તાના રૂપમાં રજુ કરવાથી કોઈ પણ વિષય સહેલાઈથી શીખવી સમજી શકાય છે તેનું આ જ કારણ છે. ગણિતનો વિષય શીખનારાઓને નથી આવડતો. તેમાં મને એક જ કારણ લાગે છે કે આપણા શિક્ષણશાસ્ત્રીઓ તેમાં વાર્તાનું તત્ત્વ મિશ્રિત કરી શકતા નથી. જો તેઓ તેમાં વાર્તા ઉમેરી શકે તો ગણિતનો વિષય પણ ઇતિહાસના જેવો જ રસપ્રદ થઈ શકે.

ગણિતની લોકપ્રિયતા અર્થે આપણે લીલાવતી ગણિતને ઉદાહરણ તરીકે લઈએ. એમાં જે જે દષ્ટાંતે આપેલાં છે તે બધાં હૃદયને ખેંચે એવાં અને વાર્તાના રૂપમાં જ હોય છે. ઉપરાંત આપણે શામળ ભટ્ટ પાસે આવીએ તો તેના સાહિત્યમાં

ગોરી બેઠી ગોખ તળે નદી કેરે નીરે
તૂટયો મોતી હાર, પડયો જઈ તેને તીરે

આમ મોતીહારવાળી નદીકિનારાના ગોખમાં બેસતી ગોરીની વાર્તા દ્વારા જ ગણિતનું શિક્ષણ શામળના સાહિત્યમાં અપાય છે, જે સામાન્ય હિસાબ કરતાં વધારે રુચિર બની શકે.

વળી ધર્મભાવનામાં પણ વાર્તાનું મહત્વ મોટું છે તેમાં પણ Allegories-Parables દ્રષ્ટાંત વાતો મોટો ભાગ ભજવે છે અને ધર્મભાવનાને લોકમાન્ય કરવામાં વાર્તા ખૂબ જ ઉપયોગી થાય છે. પુરાણો,