પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ : સાહિત્ય અને ચિંતન
 

જાતકકથા, બાઈબલ વગેરે વાર્તાઓના ભંડાર છે, જોકે તેઓ ધર્મગ્રંથ તરીકે સામાન્યતઃ ઓળખાય છે.

ઉપરાંત Ethics-નીતિજીવન અંગે પણ પંચતંત્ર જેવા સુંદર વાર્તાગ્રન્થો આપણે ત્યાં રચાય છે, અને તેમાં પણ વાર્તા જ પ્રધાનપદે છે.

અને સાહિત્ય એ તો મુખ્ય વાર્તાની આસપાસ જ રચાય છે એ કહેવાની જરૂર નથી. સાહિત્યમાંથી આપણે વાર્તા લઈ લઈએ તો શું રહેશે? રામાયણમાંથી રામ સીતાના વાર્તા-પ્રસંગો લઈ લઈએ, કે શાકુન્તલ નાટકમાંથી વાર્તાનું તત્ત્વ લઈ લઈએ તો બાકી શું રહેશે?

આથી વાર્તા ઉપર જ ઈતિહાસ, ધર્મ, સંસ્કાર અને સમાજને બોદ્ધિક અને ઊર્મિજન્ય પાયો રચાયો છે એમ કહીએ તો વધારે પડતું નથી. વાર્તાના આ તત્વનું ઊંડું વિવરણ જરૂરી નથી. લોકભોગ્ય ભાષામાં આટલું જ્ઞાન બસ થશે !

આપણે ત્યાં વેદના સમયથી વાર્તા ચાલી આવી છે, વેદ-ઉપનિષદોમાં પણ ઉદ્દાલક, યમ, દીવોદાસ, ઉર્વશી વગેરેની વાર્તાઓ જોવામાં આવે છે. અને એ જ પ્રમાણે પુરાણ, મહાભારત, રામાયણ એ બધા પણ વાર્તાના ભંડાર છે એમ કહીએ તો ચાલે.

વળી બુદ્ધની જાતકકથાઓમાંથી પણ આપણને ઘણું જાણવા જેવું મળે છે, અને તે ઉપરતિ રાજતરંગિણી, કથાસરિત્સાગર એ બધાં પણ આપણું વાર્તાસાહિત્ય ખીલવવામાં ખૂબ ઉપયોગી થયાં છે. વિક્રમ શાલિવાહનનાં તેમ જ ભોજ-કાલિદાસનાં વાર્તા–મંડળો પણ આપણા એ વાર્તાસહિત્યમાં ખૂબ ઉમેરો કર્યો છે, અને આમ આ વાર્તાની Chain સાંકળ વેદવારાથી ચાલી આવે છે. જૈન રાસાઓએ એ પણ આપણને ઘણું વાર્તાસાધન આપ્યું છે.

આપણા વાર્તાસાહિત્યમાં બે માર્ગ ખાસ જુદા તરી આવે છે; એક બાજુ Floationg Literature એટલે કે ચારે બાજુ વૈખરી વાણીમાં કહેવાતી અને એવી રીતે કંઠસ્થ જળવાયેલી વાર્તાઓ. ભાટચારણોએ આ સાહિત્ય ફેલાવવામાં તથા લોકપ્રિય કરવામાં બહુ સારો ફાળો આપ્યો છે. એમાં ભૂતપ્રેતની વાર્તાઓ પણ હોય અને વીર કે વીરાંગનાના પ્રકારો પણ તેમાં મળે. આવી વાર્તાઓ આપણા સાહિત્યમાં ઘણી છે.