પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : ૪૫
 

પરંતુ એને એ સિવાયની બીજી ઘણી ઘણી સીમાઓ છે અગર ઘણી ઘણી છાપ છે કે જે ઐતિહાસિક નવલકથામાં આપણે ઉવેખી શકીએ નહિ. મુંજાલ ગુજરાતથી દક્ષિણમાં ગયો તે મુંબઈ સુધી બી.બી.સી આઈ રેલવેમાં મુસાફરી કરીને ગયો એમ ઐતિહાસિક નવલકથામાં લખી શકાય નહિ. એમ લખવામાં આવે ત્યારે એ લખાણ ઈતિહાસ-કથા મટી હાસ્યકથા બની જય છે. મુંજાલ અને મીનળ વચ્ચે છૂપો પ્રેમ હતો એ વસ્તુનો વિકાસ ઘણાને ખૂંચ્યો છે. મીનળ અને મુંજાલ બંને આપણા ઈતિહાસના એટલાં બધાં સ્પષ્ટ પાત્રો નથી કે જે આપણી ભાવનાસૃષ્ટિમાં અગર પરંપરાસૃષ્ટિમાં નિશ્ચિત મૂર્તિરૂપ બની ચૂક્યા હોય. મિનલ દેવીને અને તેના પતિ કર્ણને બહુ બનાવ ન હતો એ વાત આપણી કથાઓએ નોંઘેલી છે. એના ઉપર ભાર દઈ મુનશીએ મીનલ મુંજાલ વચ્ચે આકર્ષણ કલ્પ્યું હોય તે એ કલ્પનામાં ભારે દુષણ જોઈ શકાય નહિ. પરંતુ આપણે સ્થિર ભાવના મૂર્તિઓ વિશે ઐતિહાસિક નવલકથા છુટ લઈ શકે જ નહિ. રામાયણ આપણા હૃદયમાં જડાઈ ગયું છે. રામ અને સીતાને આપણે યુગ યુગથી અમુક સ્વરૂપે જોવાને ટેવાયેલાં છીએ. સીતાનનો પરિત્યાગ કર્યા પછી રામે બીજી કોઈ યુવતી તરફ નજર કરી એવી વાર્તા રચના કરવામાં આવે તો તેને આપણે ખરેખર ઐતિહાસિક કથા કહી શકીએ નહિ, બીજું ગમે તેમ હોય તો પણ ઈતિહાસે એટલું તો સ્પષ્ટ કર્યું જ છે કે રામ, સીતાને તજીને પણ સીતાથી ભરેલું જ હૃદય રાખી રહ્યા હતા.

એટલે ઈતિહાસનાં જે તત્ત્વો સ્પષ્ટ થઈ ગયાં છે તે તત્ત્વોની સાથે, ઈતિહાસનાં જે પાત્રો સ્પષ્ટ થઈ ગયાં છે તે પાત્રો સાથે અને ઈતિહાસનો જે કાળ નિશ્ચિત થઈ ગયો છે તે કાળની સાથે ઐતિહાસિક નવલકથાથી છૂટે લઈ શકાય નહિ.

વળી ઈતિહાસમાં કેટલાક અસ્પષ્ટ અને અને અર્ધસ્પષ્ટ પ્રદેશો છે કે જેમાં ઐતિહાસિક નવલકથાકાર પોતાની કલ્પનાને મુક્ત રીતે વિહરવા દઈ શકે છે. હિંદુ સંસ્કૃતિ બર્મા, સિયામ, જાવા, સુમાત્રા, ચીન અને જપાન સુધી પહોંચી ગઈ હતી, એનાં તારીખવાર કે સિલસીલાબંધ પ્રકરણો આપણી પાસે નથી; છતાં અમુક કાળ સીમાઓમાં આ વસ્તુ બની એટલું તો ચોક્કસ છે જ, એટલે એ ધુમ્મસ ભરેલા ઇતિહાસમાં કંઈક