પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬ : સાહિત્ય અને ચિંતન
 

જરૂર એમાં કાંઈ અર્થ છે, નહિ તો કંજૂસ માનવ જાત વાણીને વિકૃત કરવાની, વાણીને બહેલાવવાની વાણીને ઝુલાવવાની, વાણીને લડાવવાની, ચુંદડીને ચુંદડલીમાં ફેરવી નાખવાની, મેહ સાથે નેહને મેળવવાની અને આવર્તનથી “ભીંજે મારી ચુંદડલી ” બે વાર બોલવાની મહેનત શા માટે કરે?

સામાન્ય દષ્ટિએ વરસાદમાં ફરતી સ્ત્રીની ચુંદડી ભીંજાય એ સામાન્ય પ્રસંગ છે. પરંતુ માનવીની ઊર્મિ એ સામાન્ય પ્રસંગને રંગરંગથી ભરી દે છે. કૌમારના નેહથી ઉભરાતી પ્રેયસીને ઝરમર વરસતા ઝીણા મેહ અસામાન્ય સૃષ્ટિમાં લાવી મૂકે છે. જ્યાં સૃષ્ટિની સામાન્યતા માત્ર કોઈ અકથ્ય ચમકભરી રંગતમાં બદલાઈ જાય છે, જ્યાં મેહનાં બુંદ કોઈ પુષ્પવૃષ્ટિની યાદ આપે છે, જ્યાં ચુંદડી ભીંજાય છે; એ સામાન્ય પ્રસંગ આખા જીવનને ભીંજવી રહેલા કોઈ ભાવનું પ્રતિબિંબ બની રહે છે, જ્યાં ચુંદડીને ચુંદડલી કહ્યા વગર મન માનતું નથી અને એનું વારંવાર થતું ભાન એમાં વારંવાર આવર્તન કર્યા વગર સંતોષાતું નથી. ઊર્મિ આખા જીવનને, વાતાવરણને, સૃષ્ટિને કાંઈ એવો અજબ પલટા આપી રહે છે કે તેનું ઉચ્ચારણ, વિલક્ષણ ભાષા, વિલક્ષણ લ્હેક–ઝોક, વિલક્ષણ શબ્દલાડ, વિલક્ષણ ઉદ્ ગાર. વિલક્ષણ આવર્તન વગર થઈ જ શકતું નથી. એ જીવંત-જલવંત ઉર્મિ ને અક્ષર દેહમાં–શબ્દદેહમાં ઉતારવાની ક્રિયા એનું નામ કવિતા.

આપણે કવિતાને ઘણે ઘણે પ્રકારે ઓળખાવીઃ એમાં સાચું ઓળખાણ અત્યારે આપણને મળ્યું. ઊર્મિને અક્ષરાકારમાં ઉતારનાર સાધન એ કવિતા ! દેહ અક્ષરનો-શબ્દમનો. પરંતુ એનો આત્માં ઊર્મિનો. ઊર્મિ સાચી હોય તો જ કવિતા સાચી. ઊર્મિ જલવંત હોય તોજ કવિતા જલવંત. ઊર્મિ ઉંડાણભરી હોય તો જ કવિતા ઉંડાણભરી–સામર્થ્યભરી. લાગણી ન હોય તો શબ્દો જુઠા પડી જાય છે. ઊર્મિ અને શબ્દાવલિ એકસરખી સપાટીએ મળે ત્યાં સાચી, કવિતા જન્મે છે.