પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિતા : ૫૭
 

માટે કવિતા અસામાન્ય ભાષામાં ઉતરે છે. માટે જ કવિતાને યાદ રખાય છે. માટે જ એની ઘેલછા અને વિચિત્રતા ગમે છે. ઊર્મિનો ઉછાળો જેમ દેહને હલાવી નાખે છે તેમ શબ્દરચનાને પણ હલાવી નાખે છે.

ઊર્મિ એટલે માત્ર પ્રેમ નહીં. સ્ત્રી-પુરુષના સ્નેહમાંથી ઉપજતી ઊર્મિ એક પ્રકાર જ છે, જેમાંથી શૃંગારરસ ઉપજે છે. પરંતુ દેશપ્રેમ, ન્યાય, પ્રેમને અંગે ઉપજતી ઊર્મિ આપણામાં વીરત્વ પ્રેરે છે, જેમાંથી વીરરસ ઉદ્દભવે છે. જીવનમાં આંસુપ્રેરક પ્રસંગ બને છે અને આપણા હૈયાને આદ્ર બનાવે છે એ કરુણ રસ. નદીતટ, વન ઉપવન કે દેવ દેવાલય નિહાળતાં આપણી ઊર્મિ પરમ શાન્તિ પામે છે જેમાંથી શાન્ત રસ જન્મે છે. બાળક પ્રત્યે ઊપજતા ભાવને આપણે વાત્સલ્ય કહીએ છીએ, જે વત્સલરસને ઉપજાવે છે. કોઈ વિચિત્રતા નિહાળતાં આપણને વિસ્મય ઉપજે, ભય લાગે, કે કંટાળો આવે ત્યારે અદ્દભુત, ભયાનક અને બીભત્સ રસ જાણે છે. ઊર્મિની તીવ્રતા એટલે રસ. ઉપજાવે એવી શબ્દરચના તે કવિતા. નવ કે દસ પ્રકારની ઊર્મિઓનું વગીકરણ કરી આપણા પંડિતાએ નવ કે દસ–રસને કવિતાના ઉદ્દેશ તરીકે આગળ કર્યા છે. હવે કવિતા શું એ સહજ સમજાયું?

આ કવિતા ગવાય કે કેમ? પંડિતોને પ્રશ્ન થયો છે. આજથી નહિ, કૈંક સમયથી. કવિતાને અને સંગીતને શો સંબંધ ? આવો પ્રશ્ન ઘણાને મુંઝવી રહ્યો છે અને લગભગ એવું માનસ પણ વિકસી આવ્યું છે કે જે ગવાય એ કવિતા જ નહિ એ સિદ્ધાન્ત સામાન્ય થતો જાય છે સંગીતને અને કવિતાને જાણે વેર ન હોય એવો ખ્યાલ ઉપજવા માંડયો છે. પરંતુ એ કવિતા ગવાતી હોય તો તે ગાવામાં જરાય હરક્ત નથી; માત્ર એટલું જ કે ન ગાનાર જગતમાં પણ કવિતા હોઈ શકે ખરી. એ કવિતા નાની હોય, મોટી હોય; એમાં વાર્તા હોય, પ્રસંગ હોય કે માત્ર ભાવનિરૂપણ હોય. એ સાદી પણ હોય અને અલંકારથી ભરેલી પણ હોય. એમાં વાસ્તવતા પણ હોય અને