પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકાશકનું વિજ્ઞાપન

આપણા દેશની સાર્વજનિક પુસ્તકાલય પ્રવૃત્તિના પુરસ્કર્તા સ્વ. શ્રી મોતીભાઈ ન. અમીનની યાદગીરીમાં ભૂતપૂર્વ વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળે ભંડોળ એકઠું કરીને પ્રત્યેક વર્ષની પહેલી ફેબ્રુઆરીએ આવતી સ્વર્ગસ્થની પુણ્યતિથિએ ઉપર્યુક્ત વિષયનું એક શિષ્ટ પુસ્તક પ્રસિદ્ધ કરાવેલું છે.

એ મંડળનું, વડોદરા રાજ્યના વિલીનીકરણ બાદ અસ્તિત્વ બંધ થતાં સદર ભંડોળનો વહીવટ કરવાનું કામ એ મંડળે ઠરાવ કરીને પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિ.ને સુપ્રત કર્યું છે. તદ્દનુસાર, સ્વર્ગસ્થની તા. ૧–૨–૧૯૫૨ના રોજ આવતી સંવત્સરીના દિવસે આ પુસ્તક પ્રગટ કરતાં આનંદ થાય છે.

આ પ્રસંગ સાથે એક વિશેષ હર્ષની હકીકત તે એ છે કે, આ મંડળને સોંપાયેલા આ કાર્યને એના પ્રથમ પગલે જ ગુજરાતના અગ્રગણ્ય સાક્ષર શ્રી રમણલાલ વ. દેસાઈ લિખિત પુસ્તક પ્રાપ્ત થાય છે.

સાક્ષર શ્રી રમણલાલ અને એમનાં સર્જનો સંબંધી કાંઈ પણ આજે લખવું એ તો સૂર્યને ઓળખાવવા સરખું છે.

એઓશ્રીએ લખેલા સાહિત્ય, ચિંતન તેમ જ ઇતર પ્રકીર્ણ લેખો વખતોવખત કેટલાંક સામાયિંકોમાં પ્રસિદ્ધ થયેલા તે અહીં ગ્રંથસ્થ કરાયા છે.

સામયિંકો અને દૈનિક વર્તમાનપત્રોમાં આવા ચિરંજીવ લેખો છપાય છે અને પછી તે લુપ્તપ્રાય થઈ જાય છે; તેવા લેખો જો આ રીતે ગ્રંથસ્થ કરવામાં આવે તો જનતા પર ભારે ઉપકાર થઈ શકે.