પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ : સાહિત્ય અને ચિંતન
 

સરસ્વતીચંદ્રનાં રસિક અને સુઘડ પરંતુ ચિંતનશીલ પાત્રો, નરસિંહરાવનાં પ્રકૃતિકાવ્યો, કેશવ ધ્રુવનાં સંસ્કૃત કાવ્ય નાટકનાં ભાષાંતરો, મણિલાલ નભુભાઈ તથા બાળાશંકરની ગઝલેા, હરિ હર્ષદ ધ્રુવનાં વીર કાવ્યો; ઈચ્છારામ સૂર્યરામની લખેલી હિંદુ અને બ્રિટાનિયા નામની નવલકથા તથા બીજી ઐતિહાસિક કથાઓ, મણિશંકર રત્નજી ‘કાન્તના’ છંદ મિશ્રણના પ્રયોગો એ સર્વે આ પ્રેરણાના નમૂનારૂપ કહી શકાય. આ વિભાગ ૧૮૮૦ થી ૧૯૦૦ સુધીને માની શકાય,

નવતર સાહિત્યના ત્રીજો વિભાગ ૧૯૦૦થી ૧૯૨૦ સુધીની મર્યાદા પામ્યો. એનાં પ્રેરક બળમાં નીચેના પ્રસંગો આપણે કહી શકીએ:

૧ બોઅર યુદ્ધમાં અજેય મનાએલી બ્રિટિશ શહેનશાહતની પ્રતિષ્ઠાને લાગેલો ધક્કો, જેણે એશિયાની પ્રજાને પશ્ચિમી સંસ્કૃતિની ઝંખવી નાખતી કીર્તિમાં ઝાંખપ દેખાડવાની શરૂઆત કરાવી આપી.
૨ હિંદના રાજકારણમાંથી વિનીતપણું જવા લાગ્યું અને તેમાં ઉગ્રતા દાખલ થઈ, જેને પરિણામે બંગાળની ક્રાન્તિકારી રાજકીય પ્રવૃત્તિ, સ્વદેશી ચળવળ અને આખા હિંદને હલાવી નાખતો તેમજ એક બનાવતો બંગભંગણો પ્રસંગ ઉભો થયો.
૩ રશિયા જપાન યુદ્ધમાં પશ્ચિમની પ્રજાઓ પૂર્વની પ્રજાઓથી હારી શકે છે એવા કંપાવનારા પ્રથમ અનુભવ થતાં ભારતે કોઈ નવીન બળ અનુભવ્યું.
૪ આંતરરાષ્ટ્રીય સરકારની સ્થાપના : હેગ કોન્ફરન્સ સરખા પ્રાથમિક પ્રયત્નોએ ઝાંખી ઝાંખી સમસ્ત માનવરાજયની ભાવના આગળ કરી. અને છેલ્લે
૫ પ્રથમ વિશ્વયુદ્ધ-જર્મન યુધ્ધ ગણાવી શકાય, જેણે આખી દુનિયાની સાથે ભારતનો ચહેરો પણ બદલી નાખ્યો.

આ યુગમાં હિંદે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઓળખી. અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ હિંદમાં ઠીક ઠીક વધ્યો. રાષ્ટ્રીય ભાન વધુ અને