પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવતર સાહિત્યનાં પ્રેરક બળો : ૭૯
 

વધુ તીવ્ર થવા લાગ્યું. સાથે આપણી આ સંસ્કૃતિ પ્રત્યે માત્ર પરદેશીઓના પ્રમાણપત્રો પર નહિ પરંતુ આપણા પોતાના અભ્યાસ ઉપરથી માન ઉત્પન્ન થવા લાગ્યું. એ દેશાભિમાને આપણી પોતાની રૂઢિઓ, રિવાજો, પ્રસંગો અને ઉત્સવો પ્રત્યે નવું આકર્ષણ ઉપજાવ્યું.

આ યુગના આપણા સાહિત્યગ્રણીઓમાં કલાપી, ન્હાનાલાલ, લલિત, ખબરદાર, રણજિતરામ અને કનૈયાલાલ મુનશીને ગણાવી શકાય. કલાપી દ્વારા લાગણીઓમાં સચ્ચાઈ વધારે આવી; ન્હાનાલાલ દ્વારા એ લાગણીનો ગગનસ્પર્શી બની, કુદરત સાથે માનવીની એકતા વધારે સ્પષ્ટ થઈ અને ભાવનાઓ વધારે ઉદાત્ત બની. લલિત અને બોટાદકર દ્વારા ગુર્જર ગૃહજીવનના સુંદર ભાવો આલેખાયા, ખબરદારમાં દેશભક્તિએ ઉચ્ચાર માગી લીધો અને એ જ દેશાશિમાને મુનશીની નવલકથામાં ગુજરાતના ભૂતકાળને જાગૃત કર્યો. સરસ્વતીચંદ્રની સુઘડ રસવૃત્તિ ન્હાનાલાલમાં આદર્શવાદી બની; પરંતુ નીતિ અને પ્રેમની છૂટછાટ માટે નર્મદના સમયથી મથી રહેલા ગુજરાતે મુનશીમાં મુક્ત અને રંગીન સ્વરૂપ ધારણ કર્યું.

૧૯૨૦ થી ગુર્જર સાહિત્યમાં ગાંધીયુગ બેઠો એમ કહી શકાય. ગાંધીવાદ એ લગભગ ૧૯૩૦ સુધી એકલું, અને ત્યારપછી આજ સુધી મુખ્ય પ્રેરક બળ સાહિત્યમાં ગણી શકાય.

આ યુગનાં પ્રેરક બળ એટલે :

૧ તિલકથી પણ વધારે બંડખોર રાષ્ટ્રવાદ અને સાથે સાથે ગોખલેના વિનીતપણામાંથી વિકસેલો વિવેક અને આંતરરાષ્ટ્રીય શાંતિવાદમાંથી ગાંધીજીએ ઝડપેલો આર્યસંસ્કૃતિમાંથી ઉપાડેલો અને અતિ સ્પષ્ટ કરેલો અહિંસાવાદ.
૨ આર્ય સંસ્કૃતિની ખામીઓનું સ્પષ્ટ ભાન અને સાથે સાથે એ સંસ્કૃતિનાં ઉચ્ચ તત્ત્વો ઉપર હિંદનું રાજકારણ અને સમાજરચના રચવાનો આગ્રહ.
૩ સાદાઈ ત્યાગ, સેવા અને સામાન્ય—સાહિત્યથી દૂર રહેવા પાત્ર મનાયેલા નીચલા સામાજિક થર પ્રત્યેનો ઊંડો સદ્ભાવ.