પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ : સાહિત્ય અને ચિંતન
 

પડ્યો હોય એમ બને જ નહિ. તમે ખાતરી રાખજો એ લગ્નગીતોમાં સાહિત્યનો સંભાર ભર્યો હોય છે.

અને ભજનની ધૂનમાં તમે કદી ડોલી રહ્યા છો ? પ્રભુની કૃપાયાચના, પ્રભુનાં સ્મરણ, પ્રભુની મહત્તા કે એકતાનાં ગીત ઢોલક, મંજીરાં કે એકતારા સાથે ગવાતાં હોય, એ ભજનના ભાવ સાથે તમે એકરૂપ બની ગયા હો ત્યારે ભજન પણ એક ભવ્ય સાહિત્ય બની ગયું હોય છે એ જાણો છો ?

ચલચિત્રો

હું જોઇ શકું છું કે સાહિત્ય સમજવાની તમને કુરસદ ન હોય અને વૃત્તિ પણ ન હોય; હશે. પણ તમે નાટક કે સિનેમા–ચલચત્રો કદી જોયા જ નથી ? પણ એ તે કેમ મનાય ? ગાંધીજીએ પણ છેલ્લે છેલ્લે સિનેમાનાં કેટલાંક દૃશ્યો જોઈ લીધાં હતાં, એમ યાદ આવે છે. એ નાટક કે ચલચિત્રોના કેટલાય પ્રસંગો તમને હસાવે છે, રડાવે છે, ભયભીત કરે છે, શૃંગાર અભિમુખ કરે છે, આશ્વર્ય ઉપજાવે છે, જોમ અર્પે છે, ગુસ્સે કરે છે, કંટાળો ઉપજાવે છે. તમે જાણો છો આવા આવા ભાવ ઉપજાવતાં પ્રસંગો, ગીતો અને સંવાદો સાહિત્યને જ સર્જે છે? આંખમાં આંસુ લાવતાં કરુણ મૃત્યુગીતો કે પ્રસંગો પણ સાહિત્ય બની રહે છે એમ આપ જાણશો એટલે આપને સાનંદાશ્ચર્ય સમજાશે કે હાલરડાંથી માંડી મૃત્યુનાં શોકગીત–મરશિયા સુધી—એટલે બાલજન્મથી માંડી જીવનના અંત સુધી સાહિત્યનું વાતવરણ વ્યાપી રહેલું છે. આપણે સમજીએ કે ન સમજીએ;સાહિત્ય સમજવાની આપણને કુરસદ હોય કે ન હોય; સાહિત્ય પોતે જ ડગલે અને પગલે સામે આવી આપણા શ્વાસ સરખું જીવંત તત્ત્વ બની આપણને વીંટળાઈ વળે છે. સાહિત્ય આમ આપણું જાણીતું સંચલન છે. એ નિત્ય વ્યાપક બળ છે. એ આપણા જીવનને ઘડે છે. એથી મુંઝાવાની જરૂર નથી, એને તિરસ્કારવાની જરૂર નથી. હાલરડાં, વાર્તા, નાટક, ભજન, પ્રેમ—ગીતો, વીરકથા, દેવકથા, એ બધાં સાહિત્યનાં સ્વરૂપો છે. સાહિત્યને સાદામાં સારી રીતે ઓળખવું હોય તો આપણે એટલું જ જાણીએ કે એક સારો,