પૃષ્ઠ:Samarangan.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યમુનાને કિનારે
89
 

 બીજો શંખનાદ : ને આઠસો-હજાર શરીરો કિનારા પર એક-કતાર થાય છે, કવાયતી તોરથી શરીરો લુછાય છે, ભેરીનાદ થાય છે, ને ત્યાં પડેલા ભસ્મના ઢગલામાંથી દોથા ભરીભરીને પ્રત્યેક શરીર પોતાને અંગેઅંગે ખાખ લપેટે છે. ઠંડીનું નામ કે નિશાન એ શરીરોના એકેય રોમમાં રહેતું નથી. વ્યાયામ આરંભાય છે. લંગોટીધારી કલેવરોની પેશીએ પેશી જાણે કે જુદી પડીને પોતાની હાજરી નોંધાવતી જાય છે. સાચા વટની તલવારો કમાનરૂપે વળી શકે છે એમ કહેવાય છે. સાચાં પોલાદી શરીરો પણ વાળો ત્યાંથી વળી શકે છે.

પ્રભાતની લાલી ઝળહળે છે અને એ લંગોટીભર નગ્ન દેહો પહાડી અશ્વો પર પરબારી એક જ છલંગે પલાણી બેસે છે. નગારું બજે છે, ને નગ્ન ઘોડેસવારો યુદ્ધના વ્યૂહો રચે છે.

પ્રભાતનાં અજવાળાં એ આઠસો પૈકીના એક યુવાન પર એકાગ્ર બને છે. એની કમ્મર પર લંગોટીને સ્થાને પૂરી ધોતીનો કછોટો દેખાય છે. બાકીનાં રંગરૂપ સૌની સાથે એકસમાન છે. મોઢું તો કદરૂપું છે, પણ કાયા રૂપાળી છે. એ દીક્ષા પામ્યો નથી જણાતો. અન્ય ફૌજી જોગીઓનાં ગળામાં તેમ જ જટાજૂટ ઉપર, કાનમાં તેમ જ બાહુઓ ઉપર જે કેટલાંક ધાર્મિક ચિહ્નો છે તેનાથી આ એક જ યોદ્ધો વંચિત છે. એના ગળામાં રુદ્રાક્ષની માળા નથી, બાહુઓ પર રુદ્રાક્ષ પારાનો બેરખો નથી. ભસ્મ છે પણ ત્રિપુંડ નથી. કાન એના વીંધેલા નથી, વાળી કાનમાં ઝૂલતી નથી.

જોગીઓની એ ફોજ હતી. બાવાઓની પલટનો અકબરશાહના કાળના ઇતિહાસમાં જાણીતી છે. કોઈ કહે છે કે એ હતી અતીતોની પલટન, બીજો કહે છે કે એ હતી કાનફટ્ટા ગોરખ-પંથીઓની ફોજ, કોઈ વળી એને નાગડા બાવાઓના સૈન્ય નામે પણ ઓળખાવે છે. સંસારમુક્ત એ મર્દાઈઓ હિન્દના ઇતિહાસ-પાને ઘૂમી ગઈ છે, સમરાંગણોમાં ખપી ગઈ છે. રુદ્રાક્ષના બેરખાઓ પહેરતી એ ભુજાઓને આયુધો અજાણ્યાં નહોતાં, યુદ્ધો અધર્મી નહોતાં. એ પૌરુષ અનોખું હતું, કેમ કે વ્રત વીર