પૃષ્ઠ:Samarangan.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યમુનાને કિનારે
91
 

 વગરની વીરતા હતી.

વતનના વાતાવરણમાંથી મમતાનાં રજકણો ચાલ્યાં ગયાં હતાં. ત્યારે એ સાત વર્ષના શિશુને નાસી છૂટવાનું મન થયું હતું. સીમોમાં રઝળતો હતો. માણસોથી સંતાતો હતો. વળી ક્યાંક ‘જોરાર’નો શબ્દ કાને પડી જશે એવી ફાળ પામીને વૃક્ષો, પાંદડાં ને વહેળાંની સોબત શોધતો હતો. એક દિવસ કૂતરાની ગોદમાં લપાઈને સંધ્યાનાં શિયાળુ પવનનાં ખંજરો ખાળતો હતો. અસૂર થઈ ગયું હતું. તે રાતે નાગડાઓની જમાત નીકળી, નિરાધાર જાણી ઉઠાવી ગઈ, તે પછી એણે સાબરમતીનાં, મહીના, નર્મદાનાં વગેરે અનેક નદી-તીર નિહાળ્યાં હતાં. બદરીકેદારનાં ને પશુપતિનાથનાં હિમ-શૃંગોમાં પણ જમાતે એને ઘુમાવ્યો હતો. છેલ્લી ભેટી હતી યમુના નદી. કલ્પનામાં ન સમાય તેટલું સૌંદર્ય જોઈ રહ્યા પછી વતનના ત્યાગનો ખેદ પાછો વળ્યો હતો. નાગની ગામની પીપરોના પેપા અને આંબલીના કાતરા ફરી વાર એને સાદ પાડી ઊઠ્યા.

“તું કોણ છો ? ક્યાં રહેવું તારે ?” એવા પ્રશ્નો અને એક વાર એક જ માણસે અમદાવાદમાં પૂછેલા. આગ્રામાં એના વતનની વાણીથી એને સંબોધનાર કોઈ ન સાંપડ્યું.

એક દિવસ યમુનાનો તટ નિર્જન હતો. પોતે એક ભેખડ પર બેઠો બેઠો ગાયત્રી કરતો હતો. સાંજ હતી. કોઈક ગાતું હતું –

કાટેલી તેગને રે
ભરોંસે હું તો ભવ હારી
હું તો ભવ હારી.

શબ્દો ઓળખીતા હતા, કોઈક દિવસ કોઈ એક કંઠમાંથી ગવાતું પોતે એ સાંભળ્યું હતું. પણ આ કંઠ કોઈક જુદો હતો. એક પુરુષ ગાતો હતો. નાનપણમાં લોકપરિચયના અભાવે એના કાનની લઈ લીધેલી શક્તિ આજના ભર્યા સંસારે પાછી આપી હતી તેથી એના કાનમાં સોરઠી શબ્દોનું સંગીત ઊંડે ઊતર્યું. એ સૂરોની દિશામાં પોતે આગળ વધ્યો. ગાનારે ગાન બંધ કર્યું. ગાનારથી થોડે દૂર ચાર બીજા માણસો બેઠેલા.