પૃષ્ઠ:Samarangan.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યમુનાને કિનારે
93
 

 આવ્યો. દેખીને મુઝફ્ફરના હાથ કંપી ઊઠ્યા. બરછી એના હાથમાંથી પડી ગઈ. મુઝફ્ફર શરમિંદો બનીને પાછો પોતાને આસને જઈ બેઠો.

“છે કોઈ બીજો ગુર્જર ?” તમાશબીનોની હાક પડી. એ હાકને જવાબ દેવા નાગડાઓની જમાતમાંથી એક આદમી ઊભો થતો થતો બેસી ગયો. અકબરની આંખ એ આદમી તરફ ખેંચાઈ. “ગુર્જર છો ?” શહેનશાહે પૂછ્યું.

“સોરઠિયો હોય તો ચાલશે ?” જમાતના આગેવાને સામો સવાલ કર્યો.

“સોરઠિયો પણ ગુર્જર જ છે.” ગુજરાતી તમાશબીને મંજૂર રાખ્યું.

“મંજૂર.” શહેનશાહ શબ્દ કહ્યો.

મંજૂરી સાંભળતાંની વારે જ જમાતમાંથી એક કછોટાધારી જુવાન ઊઠી વચ્ચે આવ્યો. એ નવાનગરનો નાગડો હતો. એણે બરછીનો વચલો ભાગ એક જ પંજામાં ઝકડી લીધો ને પછી એ ઊભો રહ્યો ત્યારે ગિરનારી ગુરુદત્તના શિખર-શો ભાસ્યો.

સો-સો કદમને અંતરેથી એ ગુર્જરી ખુલ્લી છાતીએ દોડ્યા. તેમણે બરછની બંને બાજુની અવિચલ અણીઓ સાથે છાતીઓ ભીંસી દીધી. બંનેની પીઠ પાછળ અણીઓ તગતગવા લાગી. પાછી બંનેએ ઝોંટ મારી, બરછીની અણીઓ કાદવમાંથી ઊપડે તેમ નીકળી આવી. જખ્મોમાંથી લોહીની ધારો ચાલી. બંને બેભાનોને ત્યાંથી ઊંચકીને લઈ જવામાં આવ્યા. તમાશાના મેદાન પર સન્નાટો પથરાયો. કોઈની તાળીઓ પાડવાની પણ મગદૂર ન ચાલી. મુગલો સ્તબ્ધ બન્યા.

અકબરશાહનાં નયનો ચોમેર ફરી વળ્યાં. ગુર્જર રજપૂતોની સરસાઈ કરનારો કોઈ અફઘાન ? કોઈ ઇરાની ? હબસી ? મુગલ ?

સર્વનાં નેત્રો નીચે ઢળ્યાં હતાં. એ નેત્રો જ્યારે ઊંચાં થયાં ત્યારે તેમણે ખુદ શહેનશાહને જ ઊભો થઈને તલવાર ખેંચતો જોયો. ખુલ્લી તલવારે એ મેદાનની વચ્ચે જઈ ઊભો રહ્યો, ને બોલ્યો, “હું મારો કોઈ જોડીદાર રાખતો નથી કે જેથી ગુર્જર રાજપૂતોની માફક કસરત કરું.